સ્પેનમાં 2 ટ્રેનો વચ્ચે અકસ્માત, 21 ના મોત
2 હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 21 લોકોના મોત થયા અને 70થી વધુ લોકો ઘાયલ

2 ટ્રેનો વચ્ચે અકસ્માત

2 ટ્રેનો વચ્ચે અકસ્માત
દક્ષિણ સ્પેનમાં એક અત્યંત હૃદયદ્રાવક ટ્રેન દુર્ઘટના સર્જાઈ, જેમાં 2 હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્પેનના પરિવહન મંત્રી ઓસ્કર પુએન્ટેએ પુષ્ટિ કરી છે કે, 30થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સત્તાવાળાઓએ આશંકા વ્યક્ત કરી છે કે, રાત દરમિયાન બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ ઘટના કોર્ડોબા શહેરની નજીક આવેલા અદામુઝ નગર પાસે બની હતી, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નવીનીકરણ ગત વર્ષે મે મહિનામાં જ કર્યું
રેલવે નેટવર્ક ઓપરેટર Adifના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે માલાગાથી મેડ્રિડ જઈ રહેલી એક હાઈ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને બીજી ટ્રેક પર આવી ગઈ. આ પાટા પરથી ઉતરેલી ટ્રેન સામેથી આવી રહેલી મેડ્રિડથી હુએલવા જતી ટ્રેન સાથે અથડાઈ હતી. એન્ડાલુસિયન ઈમરજન્સી સેવાઓના રિપોર્ટ મુજબ, આ અથડામણમાં કુલ 73 લોકો ઘાયલ થયા છે. પરિવહન મંત્રીએ આ ઘટનાને અત્યંત વિચિત્ર ગણાવી છે કારણ કે જે સીધા ટ્રેક પર આ સ્પેન ટ્રેન અકસ્માત સર્જાયો હતો તેનું નવીનીકરણ ગત વર્ષે મે મહિનામાં જ કરવામાં આવ્યું હતું.
ટ્રેનમાં આશરે 300 મુસાફરો હતા
આ અકસ્માતની સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જોકે તેનું ચોક્કસ કારણ જાણવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગી શકે છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, દેશ આજે "ઊંડી પીડાની રાત" સહન કરશે. ખાનગી રેલ કંપની 'Iryo', જે માલાગાથી ટ્રેન ચલાવતી હતી, તેણે જણાવ્યું કે, તેમની ટ્રેનમાં આશરે 300 મુસાફરો હતા, જ્યારે બીજી ટ્રેન જે સરકારી કંપની 'Renfe' દ્વારા સંચાલિત હતી, તેમાં લગભગ 100 મુસાફરો સવાર હતા.
લોકોને તેઓ સુરક્ષિત હોવાની જાણકારી આપવા વિનંતી
ઘટનાસ્થળે પહોંચેલા પ્રથમ વ્યક્તિઓમાંના એક અદામુઝના મેયર રાફેલ મોરેનોએ આ દ્રશ્યને "ભયાનક સ્વપ્ન" જેવું ગણાવ્યું હતું. ટ્રેનના કાટમાળ એટલી ખરાબ રીતે ફસાયેલા હતા કે બચાવકર્મીઓને જીવિત લોકોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. કોર્ડોબાના ફાયર ચીફ ફ્રાન્સિસ્કો કાર્મોનાએ જણાવ્યું કે, જીવિત વ્યક્તિ સુધી પહોંચવા માટે અમારે મૃતદેહોને ખસેડવા પડ્યા હતા. સોશિયલ મીડિયા પર ઈમરજન્સી એજન્સી દ્વારા બચી ગયેલા લોકોને તેઓ સુરક્ષિત હોવાની જાણકારી આપવા વિનંતી કરવામાં આવી છે.
અકસ્માતમાં 80 લોકોના મોત થયા
આ ટ્રેન અકસ્માત બાદ મેડ્રિડ અને અંદાલુસિયા વચ્ચેની તમામ રેલ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ અકસ્માતમાં સામેલ ટ્રેન 'Freccia 1000' મોડલની હતી, જે 400 કિમી/કલાકની ઝડપે દોડી શકે છે. સ્પેનિશ રેડ ક્રોસ દ્વારા પીડિત પરિવારોને કાઉન્સેલિંગ અને ઈમરજન્સી સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અગાઉ 2013માં ગેલિસિયામાં થયેલા અકસ્માતમાં 80 લોકોના મોત થયા હતા, જે બાદની આ મોટી રેલ દુર્ઘટના માનવામાં આવી રહી છે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો