BAPSની મુલાકાત અને એફિલ ટાવર પર હોબાળો! મહિલા સ્ટાફને કેમ બાજુ પર રાખવામાં આવ્યો? ફ્રાન્સમાં મોટો વિવાદ
એફિલ ટાવર પર BAPSની મુલાકાત… પછી અચાનક સ્ટાફે કામ કેમ બંધ કરી દીધું? આ આખા વિવાદ પાછળની કહાની શું છે?

એફિલ ટાવર પર BAPS વિવાદ

એફિલ ટાવર પર BAPS વિવાદ
Eiffel Tower BAPS Women Staff Controversy: પેરિસના વિશ્વપ્રસિદ્ધ એફિલ ટાવર પર BAPSના હિન્દુ પ્રતિનિધિમંડળની ખાનગી મુલાકાતને લઈને ફ્રાન્સમાં મોટો વિવાદ સર્જાયો છે. મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના લિંગના આધારે કેટલીક જગ્યાઓથી દૂર રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ બાદ એફિલ ટાવરના કર્મચારીઓએ સોમવારે કામ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો. એક દિવસના વિરોધ બાદ મંગળવારે એફિલ ટાવર ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો હતો.
Strike closes Eiffel Tower over exclusion of female staff for Hindu group's visit
— FRANCE 24 (@FRANCE24) September 7, 2026
➡️ https://t.co/MUG6xn7e03 pic.twitter.com/q3yOeD2vm9
એફિલ ટાવર પર મહિલા સ્ટાફને કેમ દૂર રાખવામાં આવ્યો?
ફ્રાન્સ 24ના અહેવાલ મુજબ, BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન કેટલીક મહિલા કર્મચારીઓને પોતાની પોસ્ટ છોડીને અન્ય જગ્યાએ જવા માટે કહેવામાં આવ્યું હોવાનો આરોપ છે. કેટલાક સ્થળોએ મહિલા કર્મચારીઓની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હોવાનો દાવો CGT ટ્રેડ યુનિયને કર્યો હતો. CGTએ આવી કાર્યસ્થળની સૂચનાઓનો વિરોધ કરતાં કહ્યું હતું કે મહિલા કર્મચારીઓને તેમના લિંગના આધારે અલગ રાખવા અથવા તેમની કામગીરી મર્યાદિત કરવી સ્વીકાર્ય નથી. આ ઘટનાને કારણે એફિલ ટાવરના કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી અને સોમવારે ટાવરનું સંચાલન પણ પ્રભાવિત થયું હતું.
Nous comprenons les préoccupations exprimées et les prenons très au sérieux.
— BAPS Mandir Swaminarayan Hindou de Paris (@BAPSParis) September 7, 2026
Compte tenu de la taille de notre délégation, la visite a été organisée en coordination avec les équipes de la tour Eiffel, au début des horaires habituels d’ouverture, afin de limiter autant que… pic.twitter.com/gyiwzmh6Jv
BAPSએ એફિલ ટાવર વિવાદ પર શું કહ્યું?
આ સમગ્ર મામલો બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાત સાથે જોડાયેલો છે. આ મુલાકાત પેરિસમાં સીન નદી પર આયોજિત સાંસ્કૃતિક હોડી શોભાયાત્રા સાથે સંબંધિત કાર્યક્રમ દરમિયાન યોજાઈ હતી. વિવાદ સામે આવ્યા બાદ સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પેરિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરી હતી. સંસ્થાએ જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળના મોટા કદને ધ્યાનમાં રાખીને એફિલ ટાવરની ટીમ સાથે સંકલન કરીને મુલાકાત જાહેર ખુલવાના સમયના શરૂઆતના ભાગમાં ગોઠવવામાં આવી હતી, જેથી અન્ય મુલાકાતીઓને ઓછી અસુવિધા થાય.
BAPSએ કહ્યું હતું કે તેની જાણકારી મુજબ કોઈપણ સમયે કોઈ વ્યક્તિને એફિલ ટાવરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યો નહોતો. જોકે, સમગ્ર પરિસ્થિતિથી કોઈને તકલીફ અથવા અસુવિધા થઈ હોય તો સંસ્થાએ દિલથી માફી માંગી હતી. સંસ્થાએ પરસ્પર આદર અને સેવા જેવા સાર્વત્રિક મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
SETEએ સ્વીકારી ભૂલ, તપાસની વાત કરી
ફ્રાન્સ 24 ના અહેવાલ મુજબ, એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETEએ જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળ તરફથી મુલાકાત એવી રીતે ગોઠવવાની વિનંતી કરવામાં આવી હતી કે મહિલા કર્મચારીઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા ઓછી થાય. SETEએ સ્વીકાર્યું કે આવી શરતો સ્વીકારવી જોઈતી નહોતી. કંપનીએ કહ્યું કે આ વ્યવસ્થા તેના મૂલ્યો અને લિંગ સમાનતાના સિદ્ધાંતો સાથે સુસંગત નથી. SETEના પ્રમુખ એરિયલ વેઇલે ઘટનાની તપાસ કરીને જરૂરી પગલાં અને તારણો કાઢવાની વાત કરી છે.
ફ્રાન્સના રાજકીય નેતાઓએ પણ કર્યો વિરોધ
એફિલ ટાવર વિવાદ બાદ ફ્રાન્સના અનેક રાજકીય નેતાઓએ મહિલા કર્મચારીઓ સાથેના વ્યવહાર અંગે પ્રતિક્રિયા આપી હતી. ફ્રાન્સ 24 ના અહેવાલ મુજબ, પેરિસના ડેપ્યુટી મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી હતી. ફ્રાન્સના સમાનતા મંત્રી ઓરોર બર્ગેએ કહ્યું હતું કે કોઈ વિચારધારા કે ધર્મ દેશના કાયદાથી ઉપર નથી. જમણેરી નેતા મરીન લે પેને પણ ફ્રાન્સમાં મહિલાઓની હાજરી મર્યાદિત કરવાની બાબત સ્વીકાર્ય ન હોવાનું જણાવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન ગેબ્રિયલ એટલે પણ કહ્યું હતું કે કોઈ સંસ્કૃતિ, માન્યતા કે ધર્મ મહિલાઓનું સ્થાન નક્કી કરી શકે નહીં.
એફિલ ટાવર ફરી પ્રવાસીઓ માટે ખુલ્યો
સોમવારે સ્ટાફના વિરોધને કારણે બંધ રહેલો એફિલ ટાવર મંગળવારે સવારે ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો હતો. ફ્રાન્સ 24 ના અહેવાલ મુજબ સવારે 9:30 વાગ્યા પહેલાં જ પ્રવાસીઓ સુરક્ષા તપાસ બાદ ટાવરમાં પ્રવેશવા લાગ્યા હતા. આ ઘટનાએ હવે ફ્રાન્સમાં BAPS મુલાકાત, મહિલા કર્મચારીઓ, લિંગ સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા અને કાર્યસ્થળના નિયમોને લઈને ચર્ચા જગાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇઝરાયેલની ચૂંટણી પહેલાં કંઈક મોટું બદલાઈ રહ્યું છે? નવા ઓપિનિયન પોલે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ચિંતા વધારી દીધી છે!

આખરે યુક્રેન સરકાર એડલ્ટ કન્ટેન્ટને કાયદાકીય દાયરામાં કેમ લાવવા માગે છે? ભ્રષ્ટાચાર રોકવા અને યુદ્ધ માટે પૈસા એકઠા કરવા વચ્ચે શું છે આ આખું કનેક્શન? જાણો સમગ્ર મામલો...

નેપાળમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનથી તબાહી, 626થી વધુનાં મોત અને 2,482થી વધુ લોકો ગુમ. ભારત સહિત 4 દેશોની બચાવ ટીમો રાહત કામગીરીમાં જોડાઈ.