Resignation of the Vice President of Indonesia: ઇન્ડોનેશિયાના રાજકારણમાં મોટો ઉલટફેર સામે આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જિબ્રાન રાકાબુમિંગ રાકાએ પોતાના પદ પરથી રાજીનામું સંસદના ઉપલા ગૃહ સમક્ષ સોંપ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ જોકો વિડોડો (જોકોવી)ના પુત્ર જિબ્રાનનું રાજીનામું તેમની શૈક્ષણિક લાયકાત અને ચૂંટણી લડવાની પાત્રતા અંગે ઊભા થયેલા વિવાદ વચ્ચે આવ્યું છે. આ ઘટનાએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોની સરકાર અને ઇન્ડોનેશિયાના રાજકીય સમીકરણો પર નવી ચર્ચા જગાવી છે.
અહમદ મુઝાનીએ જિબ્રાનના રાજીનામાની પુષ્ટિ કરી
સંસદના ઉપલા ગૃહના સ્પીકર અહમદ મુઝાનીએ જિબ્રાનના રાજીનામાની પુષ્ટિ કરી હતી. અહેવાલો અનુસાર, જિબ્રાને રાષ્ટ્રપતિ પ્રબોવોને પણ રાજીનામાનો પત્ર સોંપ્યો હતો. તેમણે લાંબા સમય સુધી ચાલતી રાજકીય ખેંચતાણ ટાળવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું પણ સામે આવ્યું છે.
વિદેશી શિક્ષણના દસ્તાવેજો બન્યા વિવાદનું કારણ
જિબ્રાનના રાજીનામા પાછળ સૌથી મોટું કારણ તેમની શૈક્ષણિક લાયકાત અંગેનો વિવાદ માનવામાં આવે છે. ઇન્ડોનેશિયાની સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબરે ચુકાદો આપીને 2024ની ચૂંટણી વખતે રજૂ કરાયેલા તેમના વિદેશી શિક્ષણની સમકક્ષતા દર્શાવતા પ્રમાણપત્રને અમાન્ય ઠરાવ્યું હતું. આ પહેલાં બંધારણીય અદાલતે પણ જિબ્રાનના વિદેશી શિક્ષણને ઇન્ડોનેશિયાની હાઈસ્કૂલ લાયકાત સમકક્ષ સાબિત કરતા પૂરતા દસ્તાવેજી પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. આ ચુકાદાઓ બાદ તેમની ઉપરાષ્ટ્રપતિ પદ માટેની પાત્રતા અંગે સવાલો વધુ ગંભીર બન્યા હતા. બુધવારે આઠ રાજકીય પક્ષોના 120 સાંસદોએ જિબ્રાન સામે સંસદીય કાર્યવાહી શરૂ કરવાની માંગ સાથે અરજી રજૂ કરી હતી. આ પ્રક્રિયા આગળ વધે તો તેમના વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી થઈ શકતી હતી.
હવે ઇન્ડોનેશિયાને નવા ઉપરાષ્ટ્રપતિ કેવી રીતે મળશે?
જિબ્રાનના રાજીનામા બાદ સૌથી મોટો પ્રશ્ન તેમના અનુગામીની પસંદગીનો છે. ઇન્ડોનેશિયાના બંધારણ મુજબ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થાય ત્યારે તાત્કાલિક નવી સામાન્ય ચૂંટણી યોજાતી નથી. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ બે ઉમેદવારોનાં નામ પ્રસ્તાવિત કરવાનાં રહેશે. ત્યારબાદ પીપલ્સ કન્સલ્ટેટિવ એસેમ્બલી (MPR) આ બેમાંથી એક ઉમેદવારની પસંદગી કરીને નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરશે. આ પ્રક્રિયા 60 દિવસની અંદર પૂર્ણ કરવાની બંધારણીય જોગવાઈ છે.
પ્રબોવો અને જોકોવી વચ્ચેના સંબંધો પર પણ નજર
જિબ્રાનનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને તેમના પિતા તથા પૂર્વ રાષ્ટ્રપતિ જોકો વિડોડો વચ્ચેના રાજકીય સંબંધોને લઈને ચર્ચા ચાલી રહી છે. 2024ની ચૂંટણીમાં પ્રબોવો અને જિબ્રાન સાથે મળીને ચૂંટાયા હતા. જિબ્રાનની ઉમેદવારીને મંજૂરી મળી તે પ્રક્રિયામાં ચૂંટણીના વયમર્યાદા નિયમોમાં થયેલા ફેરફારને લઈને પણ અગાઉ વિવાદ થયો હતો. જોકે, જોકોવીના તાજેતરના નિવેદને રાજકીય ચર્ચામાં નવો વળાંક આપ્યો છે.
નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર નજર
તેમણે કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ પ્રબોવોના વહીવટીતંત્રને સમર્થન આપવાનું ચાલુ રાખશે, ખાસ કરીને સામાન્ય જનતાને લાભ પહોંચાડતા કાર્યક્રમોમાં. ઇન્ડોનેશિયાની સરકાર પહેલેથી જ વિવિધ કૌભાંડો, આર્થિક નીતિઓ અને રોકાણકારોના વિશ્વાસ અંગેના સવાલોનો સામનો કરી રહી છે. હવે જિબ્રાનના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી અને પ્રબોવો-જોકોવી વચ્ચેના રાજકીય સમીકરણો પર આંતરરાષ્ટ્રીય નજર રહેશે.