લખીસરાય અશોકધામ મંદિરમાં ભયાનક દુર્ઘટના
ભાગદોડમાં 7 મહિલાઓનાં મોત, 8થી વધુ ઘાયલ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Lakhisarai Temple Stampede: બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભગવાન શિવના જલાભિષેક માટે હજારોની સંખ્યામાં ભેગા થયેલા ભક્તો વચ્ચે અચાનક ભાગદોડ મચતાં 7 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત થયા છે, જ્યારે 8 થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.
બે ટ્રેનો એકસાથે આવતા ભક્તોની ભીડ વધી
લખીસરાયના જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે 4:30 વાગ્યાથી જ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા માટે વહીવટી ટીમો તૈનાત હતી. જોકે સવારે આશરે 6:30 થી 6:45 દરમિયાન અચાનક ભીડ વધી ગઈ હતી. અશોકધામ હોલ્ટ પર એકસાથે બે ટ્રેનો આવી પહોંચતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર તરફ આગળ વધ્યા હતા. મંદિરના મુખ્ય દ્વારથી અશોકધામ હોલ્ટ સુધી ભક્તોની લાંબી કતાર લાગી હતી. અચાનક વધેલા ભીડના દબાણ વચ્ચે મંદિર બહારનું એક બેરિકેડ તૂટી પડતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
વીજળીનો થાંભલો પડતાં કરંટની અફવા, પછી મચી ભાગદોડ
પ્રાથમિક માહિતી મુજબ, ભીડના ભારે દબાણ વચ્ચે પુરુષોની કતારની બાજુમાં આવેલો વીજળીનો થાંભલો નીચે પડ્યો હતો. થાંભલો પડતાં જ ત્યાં લાઈવ વીજ વાયર પડ્યો હોવાની અફવા ફેલાઈ હતી. આ અફવાના કારણે ભક્તોમાં ગભરાટ ફેલાયો અને લોકો બચવા માટે અસ્તવ્યસ્ત રીતે દોડવા લાગ્યા. ડીએમના જણાવ્યા મુજબ, જે વાયર પડ્યો હતો તે લાઈવ વીજ વાયર નહીં પરંતુ કેબલ વાયર હતો. જોકે અફવાના કારણે મહિલાઓની કતારમાં ભારે દબાણ સર્જાયું અને અનેક શ્રદ્ધાળુઓ એકબીજા પર પડી ગયા હતા.
ધક્કામુક્કીમાં જમીન પર પડ્યા ભક્તો
ઘટનામાં ઘાયલ થયેલી એક મહિલા શ્રદ્ધાળુએ જણાવ્યું કે પાછળથી લોકો સતત ધક્કા મારી રહ્યા હતા. અચાનક ભીડનો દબાણ વધતાં તેમનું સંતુલન બગડ્યું અને તેઓ જમીન પર પડી ગયા. ત્યારબાદ અન્ય લોકો પણ તેમની ઉપર પડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બેરિકેડ તૂટ્યા બાદ પરિસ્થિતિ ઝડપથી કાબૂ બહાર ગઈ હતી. થાંભલો પડ્યા બાદ શોર્ટ સર્કિટની અફવાએ ભીડમાં વધુ ગભરાટ ફેલાવ્યો હતો.
7 મહિલાઓનાં મોત, મૃતકોની ઓળખ પ્રક્રિયા શરૂ
લખીસરાયના SDPO શિવમ કુમારે 7 મહિલા શ્રદ્ધાળુઓનાં મોતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધીમાં ઓળખ થયેલા મૃતકોમાં મનમાલા દેવી (ઉંમર 44 વર્ષ), રિંકુ દેવી (ઉંમર 50 વર્ષ), હેમલતા દેવી (ઉંમર 55 વર્ષ), લલિતા દેવીનો સમાવેશ થાય છે. અન્ય મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘાયલ શ્રદ્ધાળુઓને તાત્કાલિક લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ સારવાર કરી રહી છે.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક, ઘાયલોની સારવારના આદેશ
બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અશોકધામ મંદિરની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને વહીવટીતંત્રને ઘાયલોને ઝડપી અને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ઘાયલોની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય અને રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે.
શ્રાવણમાં અશોકધામમાં ઉમટે છે મોટી સંખ્યામાં ભક્તો
લખીસરાયનું અશોકધામ મંદિર શ્રી ઇન્દ્રદમનેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ જાણીતું છે. શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને જલાભિષેક માટે પહોંચે છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળે છે. આ દુર્ઘટના બાદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ભીડ વ્યવસ્થાપન, બેરિકેડ તૂટવાની ઘટના અને કરંટની અફવાથી સર્જાયેલી અફરાતફરી સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?