Kolkata Sairang Express Derailment: આસામમાં બુધવારે (11 નવેમ્બર, 2026) વહેલી સવારે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ગુવાહાટીની બહાર દિગારુ રેલવે સ્ટેશન નજીક કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેનનું એન્જિન અને પાંચ કોચ પાટા પરથી ખડી પડતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR)ના વરિષ્ઠ અધિકારીઓ, રાહત ટીમો અને સ્થાનિક વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સવારે 6:54 વાગ્યે સર્જાયો અકસ્માત
રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 13125 કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ બુધવારે સવારે લગભગ 6:54 વાગ્યે આસામના દિગારુ રેલવે સ્ટેશન પર બીજી ટ્રેનને પસાર થવા માટે રસ્તો આપવા માટે રોકાઈ રહી હતી. આ દરમિયાન ટ્રેનની ગતિ નિયંત્રિત કરવામાં લોકોપાયલટ નિષ્ફળ રહ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પરિણામે ટ્રેનનું એન્જિન અને પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયાં હતાં. નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) કપિંજલ કિશોર શર્માએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવેના પ્રાથમિક નિવેદન મુજબ, તમામ મુસાફરો સુરક્ષિત છે અને અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નોંધાયા નથી.
રાહત અને બચાવ કામગીરી શરૂ, મુસાફરોને બીજી ટ્રેનમાં ખસેડાયા
અકસ્માત બાદ રેલવે દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે વૈકલ્પિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના જનરલ મેનેજર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. રેલવે દ્વારા રાહત ટ્રેન મોકલવામાં આવી હતી. પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો પણ ઘટનાસ્થળે કામગીરીમાં જોડાઈ હતી.
રેલવે વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેનો ડાયવર્ટ
દિગારુ સ્ટેશન નજીક ટ્રેન પાટા પરથી ઉતરતાં આ રૂટ પર રેલવે વ્યવહારને અસર પહોંચી હતી. ટ્રેક પર અવરજવર ખોરવાતાં કેટલીક ટ્રેનોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલવેની ટીમો પાટા પરથી ઉતરેલા કોચને હટાવવા અને રેલવે વ્યવહાર સામાન્ય કરવા માટે કામગીરી કરી રહી છે. હાલ અકસ્માતના ચોક્કસ કારણો અને ટ્રેકને થયેલા નુકસાન અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. રેલવે તંત્ર દ્વારા ઘટનાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.