Uttarakhand Minister Rekha Arya Husband Arrested: ઉત્તરાખંડના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રેખા આર્યના પતિ ગિરધારી લાલ સાહુ ઉર્ફે પપ્પુ ગિરધારીની આખરે ધરપકડ કરવામાં આવી છે. દેહરાદૂન પોલીસે ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી તેમની ધરપકડ કરી છે. પત્ની રેખા આર્યની ફરિયાદના આધારે ઉત્પીડન, છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપો હેઠળ FIR નોંધાયા બાદથી પોલીસ તેમને શોધી રહી હતી. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં દરોડા પાડ્યા બાદ પણ તેમનો પત્તો મળ્યો નહોતો. હવે ઝાંસીમાંથી ધરપકડ થતાં આ હાઈપ્રોફાઇલ કેસમાં તપાસ વધુ તેજ બને તેવી શક્યતા છે.
15 ઓક્ટોબરે રેખા આર્યએ પતિ વિરુદ્ધ નોંધાવી હતી FIR
આ સમગ્ર મામલો 15 ઓક્ટોબર, 2026ના રોજ સામે આવ્યો હતો. ઉત્તરાખંડ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રેખા આર્યએ દેહરાદૂનના કેન્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ ગિરધારી લાલ સાહુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે પતિ પર ઉત્પીડન, છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસ સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે વિશેષ તપાસ ટીમ એટલે કે SITની રચના પણ કરવામાં આવી હતી. ત્યારથી પોલીસ પપ્પુ ગિરધારીની ધરપકડ માટે સતત પ્રયાસ કરી રહી હતી.
આગોતરા જામીન અને FIR રદ કરવાની અરજી પણ ફગાવાઈ
FIR નોંધાયા બાદ પપ્પુ ગિરધારીએ ધરપકડથી બચવા કાનૂની માર્ગ અપનાવ્યો હતો. તેમણે આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત 4 નવેમ્બરે ઉત્તરાખંડ હાઈકોર્ટે FIR રદ કરવાની અને ધરપકડ પર રોક લગાવવાની તેમની અરજી પણ ફગાવી દીધી હતી. બીજી તરફ, પોલીસની ટીમો ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી હતી. જોકે, આખરે દેહરાદૂન પોલીસને ઝાંસીમાં તેમની હાજરીની જાણ થતાં કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી હતી.
રેખા આર્ય પર પણ પતિએ લગાવ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ
આ કેસમાં બંને તરફથી ગંભીર આક્ષેપો થયા છે. ગિરધારી લાલ સાહુએ પણ પોતાની પત્ની અને ઉત્તરાખંડનાં મંત્રી રેખા આર્ય પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આમ, એક તરફ રેખા આર્યની ફરિયાદના આધારે પતિ સામે ફોજદારી તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ પતિએ પણ તેમના પર આક્ષેપો કર્યા છે. હવે પપ્પુ ગિરધારીની ધરપકડ બાદ પોલીસ પૂછપરછ અને SITની તપાસમાં કયા નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.