575 કરોડના હેરોઇન કેસમાં 19 આરોપીઓને 20 વર્ષની સજા
જખૌ દરિયાઈ માર્ગે હેરોઇન ઘુસાડવાના ત્રણ કેસમાં 18 પાકિસ્તાની અને 1 અફઘાની દોષિત ઠર્યા

કચ્છના જખૌ બંદરે હેરોઈન પકડાવાના ત્રણ કેસમાં સજા પામેલા આરોપીઓની તસવીર

કચ્છના જખૌ બંદરે હેરોઈન પકડાવાના ત્રણ કેસમાં સજા પામેલા આરોપીઓની તસવીર
19 accused sentenced to 20 years in jail in Rs 575 crore heroin case: કચ્છના જખૌ દરિયા કિનારે પાકિસ્તાનથી ભારત તરફ દરિયાઈ માર્ગે હેરોઇન ઘુસાડવાના ત્રણ અલગ-અલગ કેસમાં ભુજની વિશેષ એનડીપીએસ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 19 આરોપીઓને દોષિત જાહેર કરી દરેકને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 2 લાખના દંડની સજા ફટકારી છે. દોષિતોમાં 18 પાકિસ્તાની અને એક અફઘાનિસ્તાની નાગરિકનો સમાવેશ થાય છે.
ત્રણ ઓપરેશનમાં કુલ ૫૭૫ કરોડનું હેરોઇન ઝડપાયું
ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભુજ એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ત્રણ અલગ-અલગ સમયગાળામાં દરિયામાં શંકાસ્પદ બોટોને ઝડપી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન 115 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂપિયા 575 કરોડ હોવાનું જણાવાયું હતું.
2020માં પ્રથમ કાર્યવાહી
પ્રથમ કેસ 6 જાન્યુઆરી 2020નો હતો. ખાનગી બાતમીના આધારે જખૌ નજીક દરિયામાં એક બોટને અટકાવવામાં આવી હતી. બોટમાંથી પાંચ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી અંદાજે 35 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. જેની કિંમત આશરે રૂપિયા 175 કરોડ હોવાનું નોંધાયું હતું. આ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ એટીએસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
2021માં 150 કરોડનું હેરોઇન ઝડપાયું
બીજા કેસમાં 15 એપ્રિલ 2021ના રોજ હૈદરી પોર્ટથી જખૌ તરફ આવી રહેલી શંકાસ્પદ બોટ પર દરિયાઈ ઓપરેશન હાથ ધરાયું હતું. આ બોટમાંથી આઠ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 30 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. જેની કિંમત અંદાજે રૂપિયા 150 કરોડ હોવાનું સામે આવ્યું હતું.
2022માં અફઘાન નાગરિકની સંડોવણી બહાર આવી
ત્રીજો કેસ 8 ઓક્ટોબર 2022નો હતો. સંયુક્ત ટીમે દરિયામાં એક બોટ ઝડપી હતી. જેમાં છ પાકિસ્તાની નાગરિકો સવાર હતા. તપાસ દરમિયાન 50 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. જેની કિંમત રૂપિયા 250 કરોડ હોવાનું જણાવાયું હતું. તપાસ આગળ વધતાં આ કેસમાં અફઘાનિસ્તાનના એક નાગરિકની સંડોવણી ખુલી હતી. જેને બાદમાં આરોપી બનાવવામાં આવ્યો હતો.
કોર્ટની કડક ટિપ્પણી
ભુજના ત્રીજા અધિક સેશન્સ તથા વિશેષ એનડીપીએસ કોર્ટના જજે ચુકાદામાં નોંધ્યું હતું કે, મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ માત્ર કાયદાનો ભંગ નથી. પરંતુ દેશના યુવાનોને વ્યસનની દિશામાં ધકેલવા અને રાષ્ટ્રીય સુરક્ષાને અસર પહોંચાડવા જેવું ગંભીર કાવતરું છે. કોર્ટે આવા ગુનાઓને સમાજ અને દેશ બંને માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો.
એનડીપીએસ એક્ટ હેઠળ સજા
કોર્ટે તમામ 19 આરોપીઓને એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને કલમ 23(સી) હેઠળ દોષિત જાહેર કર્યા છે. દરેક આરોપીને 20 વર્ષની સખત કેદ તથા રૂપિયા 2 લાખના દંડની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત કોર્ટે બંને કલમો હેઠળની સજાઓ અલગ-અલગ ભોગવવાનો પણ આદેશ આપ્યો છે.
સરકારી પક્ષે મજબૂત દલીલો રજૂ કરી
આ સમગ્ર કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ સરકાર તરફથી દલીલો રજૂ કરી હતી. તપાસ એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓને આધારે કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવી કડક સજા સંભળાવી છે.
પ્રથમ કેસના આરોપીઓના નામ
1. ઇસ્માઇલ મોહમદ જામ ઉવ.50
2. અનીશ ઇશા ભટી ઉવ.30
3. અબુબકર હાસમ કુંગરા ઉવ.70
4. અશરફ ઉસ્માન ભટી ઉવ.42 તમામ રહે. પાકિસ્તાન
બીજા કેસના આરોપીઓના નામ
1. મુર્તઝા યામીન સિંધી ઉવ.35
2. યામીન ઉમર સિંધી ઉવ.65
3. મુસ્તફા યામીન સિંધી ઉવ.33
4. નસરૂલ્લા યામીન સિંધી ઉવ.28
5. હુસૈન ઇબ્રાહીમ સિંધી ઉવ.62
6. સાલેમામદ અબ્દુલા સિંધી ઉવ.70
7. મહમંદ યાસીન મહમંદ ઉર્સ મલ્લા ઉવ.39
8. રફીક આમદ ઉસ્માનઅલી મુલ્લા ઉવ.62 તમામ રહે. પાકિસ્તાન
ત્રીજા કેસના આરોપીઓના નામ
1. અલી મોહમદ બચ્ચલ મલ્લા ઉવ.40
2. મમતાજ હારુન મલ્લા ઉવ.30
3. શેર મોહમદ બશરીયા બડ ઉવ.40
4. મોતીયા ઇદ્રીશ મલ્લ્લા ઉવ.50
5. ઇબ્રાહીમ યુસુફ સમેજા ઉવ.68
6. જાહીદ અબ્દુલ્લા મલ્લા ઉવ.22 તમામ રહે. પાકિસ્તાન
7. હેકમતુલ્લા નુરુઉલ્લાહ રહે. અફઘાનિસ્તાન
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?