નગરપાલિકા વિસ્તારમાં રહેતાં લોકોને રસ્તાની સારી સુવિધા સાથે માર્ગ સલામતી મળે તે માટે રાજ્ય સરકારે રૂપિયા 100ની ફાળવણી કરી છે. ચોમાસું પૂરૂ થાય એટલે રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એડવાન્સમાં રૂપિયા 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે.
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી મોટા શહેરો અને નગરપાલિકા વિસ્તારના રસ્તાઓને ભારે નુકસાન થયુ છે. રસ્તાઓ દુરસ્ત કરવા નગરપાલિકાઓ આગોતરૂ આયોજન કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એડવાન્સમાં નાણાની ફાળવણી કરી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 2024-25ના વર્ષ માટે શહેરી વિકાસ વિભાગે ૪૦૦ કરોડની ગ્રાન્ટની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે 157 નગરપાલિકાઓના રસ્તાની મરામત અને રિસરફેસીંગની કામગીરી માટે ચોમાસું પૂરું થયે સારા રસ્તા ઉપલબ્ધ બને તે માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ રૂપિયા 100 કરોડની મંજૂરી આપી છે.
'અ' વર્ગની 22 નગરપાલિકાઓમાંથી પ્રત્યેકને 1 કરોડ, 'બ' વર્ગની 30 નગરપાલિકાઓમાંથી પ્રત્યેકને 80 લાખ, 'ક' વર્ગની 60 નગરપાલિકાઓમાંથી પ્રત્યેકને 60 લાખ અને 'ડ' વર્ગની 45 નગરપાલિકાઓને પાલિકા દીઠ 40 લાખની સૂચિત ફાળવણી કરાઈ છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે નગરપાલિકાઓને રસ્તાઓની મરામત અને રિસરફેસીંગ કામગીરી માટે 2023-24 સુધીમાં 810.95 કરોડ ફાળવ્યા છે.