Yusuf Pathan Land Allocation Controversy: ગુજરાતના રાજકારણમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના વડોદરાની જમીન વિવાદે ફરી ગરમાવો પકડ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં તેમના નિવાસસ્થાન નજીક આવેલી અંદાજે ₹20.53 કરોડની 978 ચોરસ મીટર સરકારી જમીનની ફાળવણીને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા સામે સવાલો ઉઠાવ્યા છે. સરકારના નિર્ણય મુજબ આ જમીનમાંથી 500 ચોરસ મીટર જગ્યા યુસુફ પઠાણને ભેટરૂપે આપવાની છે, જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન પ્રવર્તમાન મૂલ્યાંકનના 55 ટકા ભાવે ફાળવવાની જોગવાઈ છે. આ નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર બેવડા ધોરણ અપનાવવાનો આક્ષેપ કર્યો છે. તેમનો સવાલ છે કે સામાન્ય નાગરિકને નાનો પ્લોટ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, ત્યારે કરોડો રૂપિયાની સરકારી જમીન એક જાણીતી વ્યક્તિને ભેટરૂપે આપવાની તૈયારી કેમ કરવામાં આવી રહી છે?
'સરકાર સાથે ગોઠવણ થઈ જાય તો બધા કાયદા બદલાઈ જાય'
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર સામાન્ય નાગરિકો અને પ્રભાવશાળી લોકો માટે અલગ-અલગ માપદંડ અપનાવે છે. તેમના જણાવ્યા મુજબ, સામાન્ય અને BPL પરિવારોને 100 ચોરસ ફૂટનો પ્લોટ મેળવવા માટે પણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સામાજિક કાર્યકર્તાઓ રાહત દરે જમીન માગે ત્યારે તેમને નિયમો બતાવવામાં આવે છે. ચાવડાએ યુસુફ પઠાણના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અગાઉ આ જમીન અંગે કથિત દબાણનો મુદ્દો ઊભો થયો હતો અને નોટિસ પણ આપવામાં આવી હતી. હવે એ જ જમીન ભેટરૂપે આપવાની તૈયારી થઈ રહી છે. તેમણે સવાલ કર્યો કે રાજકીય સમીકરણો બદલાયા બાદ સરકારનું વલણ કેમ બદલાયું?
TMCથી રાજકીય બદલાવ બાદ જમીન ફાળવણી ચર્ચામાં
યુસુફ પઠાણે 2024ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની ટિકિટ પર જીત મેળવી હતી. વર્ષ 2026માં TMCથી અલગ થયા બાદ તેઓ NCPI સાથે જોડાયા હતા. આ દરમિયાન વડોદરાની જમીન ફાળવણીનો વર્ષો જૂનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. તાંદલજાની TP-22 યોજનાના ફાઇનલ પ્લોટ નંબર 90ની કુલ 978 ચોરસ મીટર જમીન ફાળવવાની દરખાસ્ત છે. તેમાં 500 ચોરસ મીટર જમીન ભેટરૂપે અને બાકીની 478 ચોરસ મીટર જમીન વુડાના મૂલ્યાંકનના 55 ટકા ભાવે આપવાની જોગવાઈ છે. સમગ્ર જમીનનું અંદાજિત મૂલ્ય ₹20.53 કરોડ ગણવામાં આવ્યું છે. વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ 23 ઑક્ટોબર, 2026ના રોજ દરખાસ્તને મંજૂરી આપી હતી. હવે સામાન્ય સભાની મંજૂરી મહત્વપૂર્ણ રહેશે.
2012થી 2026 સુધી: જમીન વિવાદની સમયરેખા
યુસુફ પઠાણે 3 માર્ચ, 2012ના રોજ પોતાના બંગલાની બાજુમાં આવેલી 978 ચોરસ મીટર જમીન ફાળવવા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. 30 માર્ચ અને 8 જૂન, 2012ના રોજ મનપાની બેઠકોમાં જમીન ફાળવણીની દરખાસ્ત આગળ વધારવામાં આવી હતી. જાહેર હરાજી વિના 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપવાનો પ્રસ્તાવ હતો. 9 જૂન, 2014ના રોજ રાજ્ય સરકારે આ દરખાસ્તને મંજૂરી આપી નહોતી. ત્યારબાદ 6 જૂન, 2024ના રોજ મનપાએ કથિત દબાણ દૂર કરવા કાર્યવાહી કરવાની નોટિસ આપી હતી. યુસુફ પઠાણે આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. 21 ઑગસ્ટ, 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટે તેમની અરજી ફગાવી હતી. 4 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે સિંગલ જજના ચુકાદા સામે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી. 8 જૂન, 2026ની સુનાવણી દરમિયાન કોર્ટે કાયદેસર ફાળવણી અને ચુકવણી વિના સરકારી જમીન પર કબજો કેવી રીતે મેળવાયો તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. 31 ઑગસ્ટ, 2026ના રોજ યુસુફ પઠાણે અપીલ પાછી ખેંચી હતી.
સામાન્ય સભામાં કોંગ્રેસનો વિરોધ
20 ઑક્ટોબર, 2026ના રોજ મનપા કમિશનરે જમીન ફાળવણીની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલી હતી. ત્યારબાદ 23 ઑક્ટોબરે કમિટીએ તેને મંજૂરી આપી હતી. હવે મનપાની સામાન્ય સભામાં આ મુદ્દે કોંગ્રેસ વિરોધ કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસનો મુખ્ય સવાલ છે કે જાહેર સંપત્તિ ગણાતી કરોડો રૂપિયાની જમીન કોઈ એક વ્યક્તિને ભેટરૂપે આપવાનો નિર્ણય કયા માપદંડોના આધારે લેવાયો? હવે સામાન્ય સભામાં દરખાસ્તને અંતિમ મંજૂરી મળે છે કે નહીં અને સરકાર આક્ષેપોનો શું જવાબ આપે છે તેના પર સૌની નજર રહેશે.