Dinesh Bambhaniya Desire To Apologize Anandiben Patel: ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી પહેલાં રાજ્યના રાજકારણમાં પાટીદાર સમાજને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. રાજકોટ જિલ્લાના જસદણમાં યોજાયેલા સમસ્ત પાટીદાર પરિવારના સખી સ્નેહમિલન સમારોહમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના આગેવાન દિનેશ બાંભણિયાએ એવું નિવેદન આપ્યું છે, જેણે જૂના રાજકીય ઘટનાક્રમને ફરી ચર્ચામાં લાવી દીધો છે. બાંભણિયાએ જાહેર મંચ પરથી સ્વીકાર્યું કે પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલ જેવા સારા મુખ્યમંત્રીને ગુમાવ્યાનો તેમને આજે પણ વસવસો છે. એટલું જ નહીં, તેમણે આનંદીબેન પટેલને મળીને માફી માંગવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.
જસદણમાં દિનેશ બાંભણિયાનું મોટું નિવેદન
16 નવેમ્બરે જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા ભવ્ય સખી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિનેશ બાંભણિયાએ પાટીદાર અનામત આંદોલનના દસ વર્ષના ઘટનાક્રમને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે આંદોલનથી સમાજને 10 ટકા અનામત અને EWS જેવી જોગવાઈઓનો લાભ મળ્યો છે. આ ઉપરાંત અનેક યુવાનોને નોકરીની તકો મળી અને સમાજના ઘણા લોકો અધિકારી બન્યા છે. જોકે, આંદોલન દરમિયાન આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી ગુમાવ્યાનો અફસોસ આજે પણ મનમાં છે. બાંભણિયાએ કહ્યું કે છેલ્લા દસ વર્ષથી તેઓ આ વાત વિશે વિચારી રહ્યા છે. તેમના મતે, આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાની પ્રક્રિયામાં આંદોલનકારીઓ નિમિત્ત બન્યા હતા, જેનો તેમને રંજ છે.
આનંદીબેનને મળીને માફી માંગવા તૈયાર
દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં તેઓ માત્ર એક વખત પાટણના કાર્યક્રમમાં આનંદીબેન પટેલને મળ્યા હતા. તે સમયે તેમણે આનંદીબેનને કહ્યું હતું કે કદાચ તેઓ તેમનાથી નારાજ હશે. જોકે, આનંદીબેને નારાજગી ન હોવાનું જણાવ્યું હતું. હવે બાંભણિયા આનંદીબેન પટેલને રૂબરૂ મળીને માફી માંગવા માંગે છે. આ માટે તેમણે અનાર પટેલને પણ મુલાકાત માટે સમય અપાવવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આનંદીબેન ગુજરાત આવે ત્યારે અથવા જરૂર પડે તો તેઓ ઉત્તર પ્રદેશ જઈને પણ માફી માંગવા તૈયાર છે. મુલાકાતનો સમય મળશે તો તેઓ અલ્પેશ, વરુણ સહિત અનુકૂળતા ધરાવતા અન્ય આંદોલનકારીઓ સાથે પણ જશે.
અનાર પટેલે આપ્યું આશ્વાસન
દિનેશ બાંભણિયાના નિવેદન બાદ આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કોઈ પણ વાતનું દુઃખ રાખવાની જરૂર નથી. તેમની માતાના હૃદયમાં કોઈના માટે નારાજગી નથી. તેમણે બાંભણિયાને ટૂંક સમયમાં આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. અનાર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે પાટીદાર આંદોલન દરમિયાન તેમને પણ લાગ્યું હતું કે હવે પોતાના સમાજને તેમની સેવાની જરૂર છે. સમાજ માટે કંઈક કરવાની ભાવના સાથે તેઓ આગળ વધવા માગતાં હતાં.
લલિત વસોયાએ ભાજપના આંતરિક વિખવાદ પર ઉઠાવ્યા સવાલ
કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ આનંદીબેન પટેલના રાજીનામા અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા તેનો પાટીદાર સમાજના લોકોને રંજ છે. જોકે, તેમના મતે પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલ સામે નહોતું, પરંતુ સમાજની માંગણીઓ અને લાગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા માટે હતું. વસોયાએ દાવો કર્યો કે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવા પાછળ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હતો. તેમના કહેવા મુજબ, કોઈ આંદોલનકારીના મનમાં આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાનો ઇરાદો નહોતો.
2027ની ચૂંટણી પહેલાં પાટીદાર રાજકારણમાં નવી ચર્ચા
પાટીદાર અનામત આંદોલન એક સમયે ગુજરાતના રાજકારણનો મોટો મુદ્દો બન્યું હતું. હવે દસ વર્ષ બાદ દિનેશ બાંભણિયાનું નિવેદન, આનંદીબેન પટેલને માફી માંગવાની ઇચ્છા અને અનાર પટેલનું આશ્વાસન ફરી રાજકીય ચર્ચાનો વિષય બન્યાં છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં આ ઘટનાક્રમ પાટીદાર સમાજ અને ગુજરાતના રાજકીય સમીકરણો માટે કેટલો મહત્વનો સાબિત થશે તે જોવાનું રહેશે. હવે સૌની નજર આનંદીબેન પટેલ અને પાટીદાર આંદોલનના આગેવાનો વચ્ચે સંભવિત મુલાકાત પર છે.