હજીરા AM/NS પ્લાન્ટમાં શ્રમિકોનો હોબાળો અને તોડફોડ
પાણીપતની ઘટનાના પડઘા સુરતમાં: હજીરાની સ્ટીલ કંપનીમાં કામદારોની હડતાળથી અફરાતફરીનો માહોલ

હજીરા AMNS કંપની કામદાર હડતાળ

હજીરા AMNS કંપની કામદાર હડતાળ
સુરતના ઔદ્યોગિક હબ ગણાતા હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS) કંપનીમાં આજે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતના વાયરલ વીડિયોની અસર સુરતમાં જોવા મળી છે. SMP-3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઈટ પર કાર્યરત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ શ્રમિકોએ અચાનક કામ બંધ કરી વિરોધ પ્રદર્શન શરૂ કરતા ભારે અફરાતફરી સર્જાઈ હતી.
પાણીપતની ઘટનાએ લગાવ્યો આક્રોશનો દેતવો :
હરિયાણાના પાણીપતમાં બનેલી એક દુખદ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હજીરાના પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ આક્રોશ વચ્ચે શ્રમિકોએ પોતાના પડતર પ્રશ્નો, પગાર વધારો અને કામના કલાકોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જોતજોતામાં વિરોધ એટલો ઉગ્ર બન્યો કે રોષે ભરાયેલા શ્રમિકોએ કંપની પરિસરમાં વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
કામના કલાકો ઘટાડવા મુખ્ય માંગ :
હડતાળ પર ઉતરેલા કામદારોનો મુખ્ય આરોપ છે કે તેઓની પાસે અતિશય વધુ કલાકો સુધી કામ લેવામાં આવે છે. કામના ભારણને કારણે શ્રમિકો શારીરિક અને માનસિક રીતે થાકી રહ્યા છે. લાંબા સમયથી કામના કલાકો ઘટાડવાની રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા અંતે શ્રમિકોએ સામૂહિક રીતે કામકાજ ઠપ્પ કરી દેવાનો નિર્ણય લીધો હતો.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તૈનાત :
પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને હજીરા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી (SOG) ની ટીમો પણ પ્લાન્ટ પર પહોંચી ગઈ હતી. હાલ સમગ્ર પ્લાન્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ હિંસક ઘટના ન બને.
કંપની અને કોન્ટ્રાક્ટરોનું વલણ :
સ્થિતિને થાળે પાડવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરિંગ પાર્ટનર લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના પ્રતિનિધિઓ મેદાનમાં આવ્યા છે. L&T દ્વારા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા નવા લેબર કોડનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, ત્યારે કંપની તેના તમામ નિયમોનો તાત્કાલિક અમલ કરશે. હાલમાં કંપનીના સત્તાવાળાઓ અને શ્રમિકોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ શ્રમિકો હજુ પણ પોતાની માંગણીઓ પર અડગ દેખાઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.