Vadodara ATS Operation: ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી સામે ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. વડોદરા જિલ્લાના જરોદ બસ સ્ટેન્ડ નજીક ATSની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક કારને આંતરીને જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ આસામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી ઘાતક AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે.
જરોદ બસ સ્ટેન્ડ પાસે ATSનું મોટું ઓપરેશન
મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ ઘાતક હથિયારો સાથે વડોદરા વિસ્તારમાં આવવાનો છે. આ બાતમીના આધારે ATSની ટીમે વડોદરા-હાલોલ રોડ પર આવેલા જરોદ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ATSની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને હથિયારોનો જથ્થો કબજે કર્યો હતો અને કારમાં સવાર શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પકડાયેલો શખ્સ મૂળ આસામનો રહેવાસી છે અને જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે.
AK-47 અને કારતૂસ ગુજરાતમાં કોને પહોંચાડવાના હતા?
આ સમગ્ર ઓપરેશનમાં સૌથી મોટો સવાલ એ છે કે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો આ શખ્સ AK-47 અને 23 જીવતા કારતૂસ સાથે ગુજરાતમાં શા માટે આવ્યો હતો? તે આ હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને રાજ્યમાં કોને પહોંચાડવાના હતા? તેની પાછળ કોઈ મોટું હથિયાર સપ્લાય નેટવર્ક કાર્યરત છે કે કેમ, તે દિશામાં ગુજરાત ATSએ તપાસ તેજ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેના સંપર્કો, હથિયારોના સપ્લાયર્સ અને સંભવિત સાથીદારો અંગે માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ એ પણ જાણી રહી છે કે આ હથિયારો કોઈ ચોક્કસ ગુનાહિત કે આતંકવાદી પ્રવૃત્તિ માટે લાવવામાં આવ્યાં હતાં કે કેમ.
ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક સામે ATSની કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે 3 જુલાઈ 2026ના રોજ ગુજરાત ATSએ સ્થાનિક પોલીસની મદદથી ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાના આરોપસર આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. હવે વડોદરાના જરોદમાંથી AK-47 અને જીવતા કારતૂસ સાથે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શખ્સની ધરપકડ થતાં ગુજરાતમાં આતંકવાદી નેટવર્કની ગતિવિધિઓ અંગે ફરી ચર્ચા તેજ બની છે.
ATSની પ્રેસ કોન્ફરન્સમાં વધુ ખુલાસાની શક્યતા
હાલમાં ગુજરાત ATS દ્વારા આરોપીની સઘન પૂછપરછ અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં, ગુજરાતમાં કોને પહોંચાડવાના હતાં અને તેની પાછળ અન્ય કેટલા લોકોની સંડોવણી છે, તે અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. ATSની પ્રેસ કોન્ફરન્સમાં આ સમગ્ર મામલે વધુ સત્તાવાર ખુલાસા થવાની શક્યતા છે.