Surat News: સુરતમાં દારૂબંધી વચ્ચે દારૂના વેપારનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. લાલગેટ વિસ્તારમાં ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય મોદી પોતાના પુત્ર સાથે મળીને ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં 645 બોટલ વિદેશી દારૂ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભાજપના હોદ્દેદારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો પુત્ર રાજ મોદી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
ખાંડ બજારના લક્ષ્મીભવનમાં દારૂનું પેકિંગ ચાલતું હોવાની બાતમી
લાલગેટ પોલીસ સ્ટેશનના PI એચ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI એસ.એ. અસારી અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ખાંડ બજાર વિસ્તારમાં SMC પાર્કિંગ પાછળ આવેલા લક્ષ્મીભવનના પ્રથમ માળે રહેતા વિજય મોદી અને રાજ મોદી ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે. હાલ ઘરના પગથિયાં પાસે દારૂના પેકિંગની કામગીરી ચાલી રહી હોવાની માહિતી મળતાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
645 બોટલ દારૂ અને બે મોબાઈલ ફોન જપ્ત
પોલીસે લક્ષ્મીભવનના પ્રથમ માળે આવેલા મકાનમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 645 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.2,65,519 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત રૂ.35 હજારની કિંમતના VIVO Y400 અને VIVO V-27 PRO મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે.
રત્નકલાકાર દારૂના પેકિંગ અને વેચાણમાં સામેલ હોવાનો આરોપ
આ કાર્યવાહીમાં પોલીસે 62 વર્ષીય વિજય રતિલાલ મોદીની ધરપકડ કરી છે. તેની સાથે બેગમપુરાના તુલસી ફળિયામાં રહેતા 29 વર્ષીય કરણ રાકેશભાઈ પાનવાલાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. કરણ વ્યવસાયે રત્નકલાકાર હોવાનું અને દારૂના પેકિંગ તથા વેચાણની કામગીરીમાં સામેલ હોવાનો પોલીસનો આરોપ છે. પોલીસે વિજય મોદીના પુત્ર રાજ વિજયભાઈ મોદીને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે. ત્રણેય સામે ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ PSI એચ.જે. રાઠોડને સોંપવામાં આવી છે.
ફરાર રાજ મોદી સામે અગાઉ 11 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હોવાનો દાવો
પોલીસ તપાસમાં ફરાર રાજ મોદી સામે અગાઉ સુરતના લાલગેટ, રાંદેર, ખટોદરા, ઓલપાડ, પલસાણા, DCB તેમજ નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના આશરે 11 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, વર્ષ 2021માં લાલગેટ પોલીસ અને વર્ષ 2023માં રાંદેર પોલીસ દ્વારા તેની સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે. બીજી તરફ, ઝડપાયેલા કરણ પાનવાલા સામે પણ અગાઉ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. સુરતમાં ભાજપના વોર્ડ મહામંત્રીના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. હવે પોલીસ ફરાર રાજ મોદીને શોધવા અને દારૂના નેટવર્કના અન્ય કનેક્શન તપાસવા આગળની કાર્યવાહી કરી રહી છે.