ગુજરાતમાં ત્રિવેણી ઋતુ: 6 જિલ્લામાં યલો એલર્ટ
માવઠાના કારણે ખેડૂતો ચિંતાતુર; ઠંડી, ગરમી અને વરસાદના મિશ્ર માહોલથી જનજીવન પ્રભાવિત થયું

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અભૂતપૂર્વ પલટો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ સમયે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે મેઘરાજાએ અચાનક એન્ટ્રી કરતા સમગ્ર રાજ્યમાં એકસાથે ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદ બાદ આજે મંગળવારે પણ હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લાઓ માટે સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
ગત સોમવારે અમદાવાદ, ભરૂચ, અમરેલી અને સુરેન્દ્રનગરના લખતર પંથકમાં કમોસમી વરસાદી ઝાપટાં નોંધાયા હતા. લખતરના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કડુ, ઓળક, માલિકા અને તરમણીયામાં મોડી રાત્રે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. અમદાવાદમાં પણ એસ.જી. હાઈવે, પ્રહલાદનગર અને શિવરંજની જેવા વિસ્તારોમાં રાત્રિના સમયે વાતાવરણ પલટાયું હતું.
આગામી 24 કલાક માટે હવામાન વિભાગની આગાહી :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાત માટે મહત્ત્વના છે. મુખ્યત્વે નીચે મુજબના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે:
ગુજરાતનાં જિલ્લાઓ : સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,છોટા ઉદેપુર,દાહોદ,પંચમહાલ
આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત અને નર્મદામાં પણ તેજ પવન સાથે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને કચ્છ પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.
અમદાવાદમાં ધુમ્મસ અને વિઝિબિલિટીની સમસ્યા :
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ભારે ભેજ અને ઠંડા પવનોને કારણે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના મતે, બપોરના સમયે તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે.
ખેતી પર સંકટ: ખેડૂતોની ચિંતા વધી :
સૌથી વધુ માઠી અસર કૃષિ ક્ષેત્રે જોવા મળી રહી છે. હાલ રવિ પાકની કાપણીની સીઝન ચાલી રહી છે. ઘઉં, જીરું, વરિયાળી અને રાયડો જેવા કિંમતી પાકો તૈયાર થઈ ગયા છે અથવા કાપણીના તબક્કે છે. આવા સમયે અચાનક આવેલા વરસાદને કારણે પાક પલળી જવાની અને ગુણવત્તા બગડવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદનું જોર વધશે તો ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.