રાષ્ટ્રીય માન્યતા ધરાવતાં કચ્છના ખારાઈ ઊંટનું અસ્તિત્વ જોખમમાં!
મીઠાના કારખાના માટે ચેરીયાના વૃક્ષોનું નિકંદન કરાતાં ખારાઈ ઊંટોની સંખ્યા ઘટી

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે બે વખત આદેશ કર્યો હોવા છતાં ગેરકાયદે મીઠાના કારખાના ચાલુ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે બે વખત આદેશ કર્યો હોવા છતાં ગેરકાયદે મીઠાના કારખાના ચાલુ
રાષ્ટ્રીય માન્યતા ધરાવતા કચ્છના ખારાઈ ઊંટોનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે. ગેરકાયદે મીઠાના કારખાના માટે ચેરીયાના વૃક્ષોનું નિકંદન કરાતાં ચેરીયાના જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે. આ મામલે ઊંટ ઉછેરક માલધારી સંગઠને કરેલી ફરિયાદના અનુસંધાને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે(NGT) બે વખત આદેશ આપ્યો હોવા છતાં ગેરકાયદે મીઠાના કારખાના ઘટવાના બદલે વધી રહ્યા છે. ત્યારે NGT સમક્ષ 9 જુલાઈએ થનાર સુનાવણી ઉપર ઊંટ ઉછેરક માલધારી સંગઠનને આશા બંધાઈ છે.
કચ્છમાં કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ બે પ્રકારના ઊંટ જોવા મળે છે. ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા મળી છે. ખારાઈ ઊંટ દરિયાના પાણીમાં તરવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. ખારાઈ ઊંટ રણમાં નહિ પરંતુ દરિયાના પાણીમાં તરી શકે છે. ભચાઉ અને વોંધ વિસ્તારમાં ચેરીયાના વૃક્ષોનું વર્ષોથી નિકંદન થઈ રહ્યું છે. ચેરીયાના જંગલોનો વિસ્તાર ઘટવાના કારણે ખારાઈ ઊંટની સંખ્યા પણ ઘટી રહી છે.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) સમક્ષ વર્ષ 2020માં ફરિયાદ કરી હતી. વર્ષ 2028માં ચેરીયાના જંગલનો વિસ્તાર 4,084 હેકટર હતો. તે વર્ષ 2023માં ઘટીને 1,312 હેકટર થઈ ગયો છે. જ્યારે મીઠાના અગરીયા(કારખાના)નો વિસ્તાર વર્ષ 2018 માં 13,681 હેકટર હતો. તે વર્ષ 2023માં વધીને 17,918 હેકટર થઈ ગયો છે. પાંચ વર્ષમાં ચેરીયાના વૃક્ષોનું નિકંદન થયાનું સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું છે.
વર્ષ 2018માં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશનલ કંટ્રોલ બોર્ડની સંયુક્ત તપાસના રિપોર્ટ અનુસાર 750 એકર વિસ્તારમાં ચેરીયાના વૃક્ષોનું નિકંદન કરાયુ હતું. ગેરકાયદે પાળા બાંધીને કુદરતી પાણીનું વહેણ રોકવા અંગે તેમજ ચેરીયાના નિકંદન મામલે NGT દ્વારા મીઠાના કારખાનાઓ ઉપર રોક લગાવવા આદેશ કર્યો હતો. NGTના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેમ ચેરીયાના વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારીએ જણાવ્યું કે, "અમારા ઊંટો મરી રહ્યા છે. ખારાઈ ઉંટો જે ચેરીયા વૃક્ષોનો ચારો ચરે છે તે નાશ પામી ચક્યા છે. સરકાર રક્ષણ આપવાની વાતો કરે છે, પરંતુ અમે હજુ રાહ જોઈ રહ્યા છીએ.આ વિષય માત્ર ખારાઈ ઊંટો કે ચેરીયાના વૃક્ષોનો નથી. મીઠાની લીઝો રદ કરવા, ચેરીયાના વૃક્ષોનું પુનઃ સ્થાપન કરવા માટે યોજના બનાવવા અને સંયુક્ત મોનિટરીંગ કમિટીની રચના કરવા ટ્રીબ્યુનલ સમક્ષ માંગ કરી છે.
ભારતમાં દરિયા કાંઠાના પર્યાવરણને લગતા કાયદાઓ હોવા છતાં તે ચેરીયાના વૃક્ષોના સંરક્ષણ માટે નિરર્થક બની ગયા છે. NGT નો સ્પષ્ટ આદેશ હોવા છતાં તેની અવગણના કરીને પર્યાવરણને વ્યાપક નકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ખારાઈ ઊંટ હવે એક પ્રતિક બની ચૂક્યો છે"
સહજીવન સંસ્થાના મરીન સાયન્સના સંશોધનકાર ડો.યશેષ શાહે જણાવ્યું કે, ચેરીયાના જંગલનો વિસ્તાર પાંચ વર્ષમાં 4,084 હેક્ટરથી ઘટીને 1,312 હેક્ટર થઈ ગયો છે. મીઠાના ઉત્પાદનનો વિસ્તાર પાંચ વર્ષમાં 13,681 હેક્ટરથી વધીને 17,918 હેક્ટર થઈ ગયો છે. જુલાઈ-2023માં ભચાઉ પ્રાંત અધિકારીએ કરેલી તપાસ બાદ આપેલા રિપોર્ટ અનુસાર પાળા બાંધી પાણીનો પ્રવાહ અવરોધ્યો હતો.
ભારે મશીનરીથી ચેરીયાના વૃક્ષો ઉખાડી પેટાળમાંથી પાણી કાઢવામાં આવ્યું હતું. કરચલા અને લેવટા જેવા પાતાળ જીવોનો નાશ થયેલો જોવા મળ્યો હતો. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નિયમોનું ઉલ્લંઘન કરી 14 મીઠાના કારખાનાઓ ગેરકાયદે ધમધમતાં હતા. CRZ-I A વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી CRZ જાહેરનામું 2011ના પર્યાવરણ સંરક્ષણ અધિનયમ 1986 અને NGTના આદેશોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, ચેરીયાના જંગલોના નિકંદન મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે 9 જુલાઈના રોજ ત્રીજી વખતની સુનાવણી રાખી છે. અગાઉ વર્ષ 2019 અને 2020માં NGTએ કરેલાં આદેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક ચેરિયાના ઝાડ છે. મીઠાના કારખાનાના કારણે ચેરિયાના જંગલોનું નિકંદન થઈ રહ્યું છે. જેના કારણે ખારાઈ ઊંટના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.