ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા વિક્રમ ઠાકોર
ડીજેના પ્રતિબંધના વિવાદમાં હવે વિક્રમ ઠાકોર કુદ્યા અને કલાકારોની રોજગારી ડીજે ચાલુ રખાશે

વિક્રમ ઠાકોર

વિક્રમ ઠાકોર
ગુજરાતના ઠાકોર સમાજમાં લગ્ન પ્રસંગોમાં DJ વગાડવા મુદ્દે સર્જાયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. તાજેતરમાં ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલા નવા સામાજિક બંધારણમાં DJ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેનો ભંગ કરવા બદલ જાણીતા કલાકાર ગબ્બર ઠાકોરને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર કરવાનો આકરો નિર્ણય લેવાયો હતો. આ વિવાદમાં હવે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ ગબ્બર ઠાકોરના સમર્થનમાં મેદાને આવ્યા છે. વિક્રમ ઠાકોરે એક વીડિયો સંદેશ દ્વારા સમાજના આગેવાનોના નિર્ણય સામે સવાલ ઉઠાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "આપણી બાજુ DJ બંધ થવાનું નથી અને જો કોઈ બંધ કરાવવા આવે તો મને કહેજો." આ નિવેદન બાદ ઠાકોર સમાજમાં હવે બે ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગેનીબેન ઠાકોરના સંદર્ભમાં પણ આકરી પ્રતિક્રિયા
વિક્રમ ઠાકોરે સામાજિક આગેવાનો અને સાંસદ ગેનીબેન ઠાકોરના સંદર્ભમાં પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, અગાઉ સેક્ટર-11ના સંમેલનમાં તેમણે આ મુદ્દે વિચાર કરવા વિનંતી કરી હતી, પરંતુ તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી છે. વિક્રમ ઠાકોરના મતે, સમાજના જે આગેવાનોએ આ બંધારણ ઘડ્યું છે તેમને DJ સંસ્કૃતિ અને તેની સાથે જોડાયેલા નાના કલાકારોની હાડમારી વિશે કોઈ ખ્યાલ નથી. તેમણે તર્ક આપ્યો હતો કે, જો આગેવાનો એવું માનતા હોય કે DJ બંધ થવાથી દારૂ પીવાની કે ઝઘડા કરવાની પ્રવૃત્તિ અટકશે, તો તે ભૂલભરેલું છે. તેમણે કહ્યું કે, "ઢોલ વગાડશો તોય દારૂ પીનારો પીવાનો જ છે અને ઝઘડો કરનારો ઝઘડો કરવાનો જ છે," એટલે કે DJ બંધ કરવાથી સમાજમાં સુધારો આવશે તે વાત ખોટી છે.
મધ્યમવર્ગીય પરિવારો જમીન ગીરવી રાખીને DJ લાવ્યા
આ વિવાદમાં સૌથી મહત્વનો મુદ્દો રોજગારીનો છે, જેના પર વિક્રમ ઠાકોરે ભાર મૂક્યો છે. તેમણે વ્યથા ઠાલવતા કહ્યું કે, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના અનેક મધ્યમવર્ગીય પરિવારો પોતાની જમીન ગીરવી રાખીને DJ લાવ્યા હતા. આજે એક DJ સિસ્ટમ સાથે અંદાજે 15 જેટલા કલાકારો અને મજૂરો જોડાયેલા હોય છે, જેઓ આ પ્રતિબંધને કારણે બેરોજગાર થઈ ગયા છે. મોટા માણસો અને આગેવાનોને આ ગરીબ કલાકારોની સ્થિતિ દેખાતી નથી. વિક્રમ ઠાકોરે આગેવાનોને પડકાર ફેંક્યો છે કે જો તમે DJ બંધ કરાવો છો, તો આ હજારો કલાકારોને અન્ય કોઈ રોજગાર કે નોકરી આપવાની જવાબદારી પણ તમારે લેવી જોઈએ.
ગબ્બર ઠાકોરના ટેકેદારોમાં ઉત્સાહ જોવા મળ્યો
છેલ્લે, વિક્રમ ઠાકોરે કલાકારોના હિતમાં મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે DJના કલાકારો ગાવા અને વગાડવા સિવાય અન્ય કોઈ કામ કરી શકવાના નથી, તેથી તેમના પેટ પર લાત મારવી યોગ્ય નથી. આ વિવાદ હવે માત્ર સામાજિક સુધારાનો મુદ્દો ન રહેતા હજારો લોકોની રોજીરોટી અને કલાકારોના અસ્તિત્વની લડાઈ બની ગયો છે. સોશિયલ મીડિયા પર વિક્રમ ઠાકોરના આ સમર્થન બાદ ગબ્બર ઠાકોરના ટેકેદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ સમાજના આગેવાનો આ વિવાદને કેવી રીતે થાળે પાડે છે તેના પર સૌની નજર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.