સુરત: માતાએ પુત્રની હત્યા કરી આપઘાત કર્યો
પૂર્વ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી ૨૬ વર્ષીય પૂનમ શાહે ૪ વર્ષના પુત્ર કરી આત્મહત્યા

સુરત માતા પુત્ર આપઘાત

સુરત માતા પુત્ર આપઘાત
સુરતના ઉમરા વિસ્તારમાં ૧૩ ફેબ્રુઆરીના રોજ એક હચમચાવી નાખનારી ઘટના બની છે. એક ૨૬ વર્ષીય ડિવોર્સી માતાએ પોતાના ૪ વર્ષના માસૂમ પુત્રને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પાછળ પૂર્વ પતિ અને સાસરિયાઓ દ્વારા અપાતો માનસિક ત્રાસ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો પરિવારે કર્યા છે.
ભાઈ ઘરે પરત ફર્યો ત્યારે ભયાનક દ્રશ્ય દેખાયું :
મૃતક પૂનમ શાહ છેલ્લા કેટલાક સમયથી પિયરમાં માતા અને ભાઈ સાથે રહેતી હતી. શુક્રવારે સવારે જ્યારે પૂનમનો ભાઈ મોબાઈલ ચાર્જર લેવા માટે અચાનક ઘરે પહોંચ્યો ત્યારે તેણે બહેન અને ભાણેજને પંખા સાથે લટકતી હાલતમાં જોયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સાસરિયાઓ અને નણંદના ત્રાસનો આક્ષેપ :
પરિવારના જણાવ્યા મુજબ, પૂનમના પ્રેમલગ્ન પાંચ વર્ષ પહેલા અમદાવાદના કરણ શાહ સાથે થયા હતા. જોકે, લગ્ન બાદ તરત જ તેની નણંદ અને સાસુ દ્વારા કનડગત શરૂ થઈ હતી. પૂનમની માતાનો આરોપ છે કે ઘરના તમામ નિર્ણયો નણંદ જ લેતી હતી અને કરણ હંમેશા પૂનમ સાથે ઝઘડો કરીને તેને પિયર મોકલી દેતો હતો. ગર્ભાવસ્થા જેવી નાજુક સ્થિતિમાં પણ પૂનમને સાસરિયામાં રહેવા દેવામાં આવી નહોતી.
દેવાના બહાને પિયર મોકલી દેતા :
પતિ કરણ વારંવાર દેવું થઈ ગયું હોવાનું બહાનું કાઢીને પૂનમને પિયર મોકલી દેતો હતો. પૂનમ તેના પિયરના લોકો પર બોજ બનવા માંગતી નહોતી, પરંતુ સાસરિયાઓના અસહ્ય ત્રાસને કારણે તેણે આ આત્મઘાતી ડગલું ભર્યું હોવાનું મનાય છે. સુરત પોલીસ હાલ આ મામલે પૂર્વ પતિ અને સાસરિયાઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
લાલગેટની ઘટનાની યાદ તાજી થઈ :
નોંધનીય છે કે, હજુ ત્રણ દિવસ પહેલા જ ૧૦ ફેબ્રુઆરીએ સુરતના લાલગેટ વિસ્તારમાં પણ એક પરિવારના ત્રણ સભ્યોના રહસ્યમય મોત થયા હતા. જેમાં પતિ, પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. શહેરમાં એક પછી એક બની રહેલી આવી સામૂહિક આપઘાતની ઘટનાઓએ સુરતીઓમાં ભારે અરેરાટી અને ચિંતા ફેલાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.