રાજકોટની હોસ્પિટલ સામે ગંભીર આરોપ, પરિવાર પાયમાલ
ડોક્ટરની કથિત બેદરકારીથી પિતાની હાલત લથડી, પુત્રીએ ભણતર છોડી ન્યાય માટે લગાવી ગુહાર

શિવ હોસ્પિટલ વિવાદ

શિવ હોસ્પિટલ વિવાદ
રાજકોટના મહાપૂજા ધામ વિસ્તારમાં આવેલી શિવ હોસ્પિટલ સામે એક પરિવારે ગંભીર આરોપો લગાવતા તબીબી જગતમાં ચકચાર મચી ગઈ છે. પીડિત પરિવારનો દાવો છે કે ડોક્ટરની બેદરકારી અને ખોટી સારવારના કારણે તેમના ઘરના મોભીની હાલત અત્યંત નાજુક બની ગઈ છે, જેના કારણે હસતો-રમતો પરિવાર આજે રોડ પર આવી ગયો છે.
સારવારમાં લાખોનો ખર્ચ અને આર્થિક પાયમાલી :
પરિવારના જણાવ્યા અનુસાર, અંદાજે એક વર્ષ પહેલા જીતુભાઇ સોલંકીને મોઢામાં ચાંદીની તકલીફ હોવાથી શિવ હોસ્પિટલમાં બતાવવામાં આવ્યું હતું. ડો. કામિલ રાજપારીએ સામાન્ય ઓપરેશનની વાત કહીને કેન્સરની સર્જરી કરી હોવાનો આક્ષેપ પત્ની પાયલબેને કર્યો છે. શરૂઆતમાં જે ખર્ચ 50 હજાર રૂપિયા જણાવવામાં આવ્યો હતો, તે વધીને 4 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ આર્થિક બોજને કારણે દીકરીએ પોતાનું ભણતર છોડવું પડ્યું છે અને પત્નીને ઘર ચલાવવા માટે રાત્રે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવાની ફરજ પડી છે.
સોશિયલ મીડિયા પર ન્યાયની ગુહાર :
ધોરણ 9 માં ભણતી દીકરીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને વડાપ્રધાન અને મુખ્યમંત્રી પાસે ન્યાયની માંગ કરી છે. તેણે જણાવ્યું કે પિતાની હાલત જોઈને તે ખૂબ જ વ્યથિત છે અને પરિવાર પાસે હવે ફી ભરવાના પણ પૈસા બચ્યા નથી. બીજી તરફ, જ્યારે પરિવાર ડોક્ટર પાસે જવાબ માંગવા જાય છે ત્યારે તેમને ધમકાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ડોક્ટરનો ખુલાસો અને વળતા આક્ષેપ :
આ સમગ્ર વિવાદ અંગે ડો. કામિલ રાજપારીએ પોતાનો પક્ષ રાખતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, દર્દીએ પોતે જ સર્જરીની વિગતો પત્નીથી છૂપી રાખવા વિનંતી કરી હતી. તેમણે વળતો આક્ષેપ કર્યો છે કે પરિવાર તેમને સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ દ્વારા ધમકીઓ આપી રહ્યો છે. જોકે, માનવતાના ધોરણે ડોક્ટરે હજુ પણ સારવારમાં મદદ કરવાની તૈયારી દર્શાવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલમાં સરકારી યોજનાઓ ઉપલબ્ધ નથી, તેથી આ વ્યક્તિગત વિવાદમાં તંત્રની ભૂમિકા મર્યાદિત છે. હાલ આ મામલે યોગ્ય તપાસની માંગ ઉઠી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.