રાજકોટ મનપાનું ₹3595 કરોડનું બજેટ રજૂ
પાણી અને ગાર્બેજ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત, સાયકલ ખરીદી પર સહાયની નવી યોજના

મનપા બજેટ 2026-27

મનપા બજેટ 2026-27
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે ₹3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરના વિકાસ માટે અનેક નવી જોગવાઈઓ કરવામાં આવી છે, પરંતુ તેની સાથે જ સામાન્ય જનતા પર વેરાનો બોજ વધવાની પણ શક્યતા છે.
વેરામાં ધરખમ વધારાનું સૂચન :
કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં વોટર ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં 50 થી 120 ટકા જેટલો વધારો સૂચવવામાં આવ્યો છે. રહેણાંક મિલકતો માટે પાણી વેરો ₹1500 થી વધારીને ₹2400 અને બિન-રહેણાંક માટે ₹4800 કરવા દરખાસ્ત છે. તેવી જ રીતે ગાર્બેજ ચાર્જ પણ રહેણાંકમાં ₹800 અને કોમર્શિયલમાં ₹3200 સુધી લઈ જવાનું આયોજન છે. જોકે, આ વર્ષે ચૂંટણી હોવાથી સ્ટેન્ડિંગ કમિટી આ વધારો રદ કરે તેવી પ્રબળ શક્યતા છે.
ટ્રાફિક સમસ્યા નિવારવા બ્રિજનું આયોજન :
શહેરના બેડી ચોક વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે બજેટમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ દરમિયાન ઉદભવેલી સમસ્યા બાદ હવે આ વિસ્તારમાં નવો બ્રિજ બનાવી શકાય તેમ છે કે નહીં તે અંગેના આયોજન માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રોડ-રસ્તાના કામો માટે ₹45 કરોડ ફાળવવામાં આવ્યા છે.
પર્યાવરણ અને સુરક્ષા પર ભાર :
રાજકોટને પ્રદૂષણ મુક્ત બનાવવાના ભાગરૂપે સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ અંતર્ગત 2500 નાગરિકોને સાયકલની ખરીદી પર ₹1,000ની આર્થિક સહાય અપાશે. બીજી તરફ, ફાયર વિભાગની ક્ષમતા વધારવા માટે 50 મીટરની ઊંચાઈ ધરાવતું ટર્નટેબલ લેડર (TTL) ખરીદવામાં આવશે, જે 17 માળ સુધીની બિલ્ડિંગમાં આગ ઓલવવામાં મદદરૂપ થશે.
ટેક્સ કલેક્શન અને વાહન વેરો :
મનપાએ આગામી વર્ષે વેરા વસૂલાતનો લક્ષ્યાંક ₹596 કરોડ રાખ્યો છે. મકાન વેરા અને વાહન વેરાના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર છે. આઈ-વે પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વધુ 1500 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.