ભાવનગરમાં 4.20 કરોડનું ફુલેકુ: એક ઠગ ઝડપાયો
રોકાણકારોને બાટલીમાં ઉતારી DWIJA ફાઈનાન્સના સંચાલકો કરોડો લઈ છૂટા, CID ક્રાઈમે એકને ઘેર્યો

ભાવનગરમાં 4.20 કરોડનું ફુલેકુ

ભાવનગરમાં 4.20 કરોડનું ફુલેકુ
ભાવનગર શહેરમાં રોકાણના નામે ઉંચા વળતરની લાલચ આપી લોકોની પરસેવાની કમાણી હડપ કરી જતી ગેંગનો પર્દાફાશ થયો છે. હિલપાર્ક ચોકડી પાસે "DWIJA ફાઈનાન્સ્યલ સોલ્યુશન" નામની ઓફિસ ખોલીને બે શખ્સોએ 40થી વધુ લોકો પાસેથી અંદાજે 4.20 કરોડ રૂપિયા એકત્ર કરી ફૂલેકું ફેરવી દીધું છે.
ભાવનગર સીઆઈડી (CID) ક્રાઈમે આ મામલે એક આરોપીની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સીદસર રોડ પર ઓફિસ ધરાવતા વિવેક નાથાણી અને પ્રતિક ગળચર નામના શખ્સોએ રોકાણકારોને જાળમાં ફસાવવા માટે પદ્ધતિસરનું આયોજન કર્યું હતું.
ફરિયાદી જીગર અશોકભાઈ ભટ્ટ અને તેમના માતા રેખાબેનને શરૂઆતમાં ટૂંકા ગાળામાં સારું વળતર આપી આ ઠગ ટોળકીએ તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. વિશ્વાસ બેસી ગયા બાદ માતા-પુત્રએ મોટી રકમનું રોકાણ કર્યું હતું.
7 ટકા વળતરની લોભામણી જાહેરાત
આરોપીઓએ "DWIJA FINANCIAL SOLUTIONS" ના પેમ્ફલેટ છપાવી દર મહિને 7 ટકા સુધીના માતબર વળતરની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને અન્ય 41 જેટલા રોકાણકારોએ પણ પોતાની મૂડી આ કંપનીમાં રોકી દીધી હતી.
તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદીના 3.02 કરોડ અને અન્ય રોકાણકારોના 1.17 કરોડ મળીને કુલ 4,20,30,773 રૂપિયાની રકમ આ શખ્સોએ ઓળવી લીધી છે.
પોલીસ કાર્યવાહી
જ્યારે પાકતી મુદતે રોકાણકારોએ પોતાની મુદ્દલ અને નફાની માંગણી કરી, ત્યારે સંચાલકો વાયદા કરવા લાગ્યા હતા અને અંતે ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા.
આ અંગે રેખાબેન દ્વારા રાજકોટ સાયબર સેલ (સીઆઈડી ક્રાઈમ) માં ફરિયાદ નોંધાવતા પોલીસે વિવેક નાથાણીની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં આ નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે અને અન્ય સાગરીત પ્રતિક ગળચર ક્યાં છુપાયો છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.