સુરતમાં નબીરાએ અકસ્માત કરી વાહનોનો કચ્ચરઘાણ કાઢ્યો
સુરતમાં મોડી રાત્રે બેફામ સ્પીડે નબીરાની કારે 3 કાર અને 2 મોપેડનો ચૂરો બોલાવી દીધો..

નબીરાએ સર્જ્યો અકસ્માત

નબીરાએ સર્જ્યો અકસ્માત
સુરતમાં નબીરાઓની દાદાગીરી વધી રહી છે અને કાયદાનો ડર ન હોય તેમ રસ્તા પર બેફામ ગાડીઓ દોડાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા અવધ ઉથોપિયા રોડ પર મોડી રાત્રે એક માલેતુજાર નબીરાએ પોતાની લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર વડે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રસ્તાના કાંઠે પાર્ક કરેલા પાંચ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે અવધ ઉથોપિયા રોડ પરથી પૂરઝડપે પસાર થઈ રહેલી નવી નક્કોર 'મહિન્દ્રા BE 6' (ઇલેક્ટ્રિક SUV) કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે તેણે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી ત્રણ લક્ઝુરિયસ કાર અને બે મોપેડને જોરદાર અડફેટે લીધા હતા.
ટક્કર એટલી ભયાનક હતી કે પાર્ક કરેલી ગાડીઓના ફુરચા ઉડી ગયા હતા અને એરબેગ્સ ખુલી ગઈ હતી. સદનસીબે, અકસ્માત સમયે પાર્ક કરેલી ગાડીઓમાં કોઈ સવાર નહોતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.
અકસ્માત સર્જાયાના થોડી જ વારમાં માલેતુજાર પરિવાર અને તેમના મળતિયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનીય લોકોના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર નબીરાને બચાવવા માટે તંત્ર અને પીડિતો પર દબાણ લાવવાના પ્રયાસો શરૂ થયા હતા.
નવાઈની વાત એ છે કે, આ ગુનાહિત બેદરકારીને છુપાવવા માટે એવી વાત વહેતી કરવામાં આવી હતી કે "યુવકને ગાડી ચલાવતી વખતે અચાનક ખેંચ આવી ગઈ હતી." આ પ્રકારના બહાના હેઠળ ગંભીર ગુનાને સામાન્ય અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પોલીસ કાર્યવાહી:
ઘટનાની જાણ થતા જ સ્થાનીય પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે તમામ વાહનોનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું પોલીસ આ માલેતુજાર નબીરા સામે કડક કાર્યવાહી કરશે કે પછી મોટા ઘરના નબીરાને હંમેશાની જેમ 'વીઆઈપી' ટ્રીટમેન્ટ આપી કેસ થાળે પાડવામાં આવશે?
સુરતના નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે રાત્રિના સમયે આવા રેસિંગ ટ્રેક બની ગયેલા રોડ પર પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે અને નબીરાઓના લાયસન્સ રદ કરવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.