વ્યસન મુક્તિ માટે સાંસદ ગેનીબેન ઠાકોરનો સંઘર્ષ
નશાના દૂષણ સામે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે 41 નેતાઓને સહયોગ માટે પત્ર લખ્યો

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની ફાઈલ તસવીર

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની ફાઈલ તસવીર
ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને મેડિકલ નશાના વધતા જતાં દૂષણ સામે હવે દરેક સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠાકોર, કોળી પટેલ અને અન્ય પછાત સમાજના યુવાનોમાં વ્યસનો વધી રહ્યા છે. વ્યસનોને રોકવા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને પત્ર લખી સહયોગ આપવા માગણી કરી છે. આ પત્રમાં વ્યસનના કારણે બરબાદ થઈ રહેલા પરિવારો અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્યંત ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરતા જણાવાયું છે કે, નશાના રવાડે ચઢેલા યુવાનો નાની ઉંમરે મૃત્યુને ભેટી રહ્યા છે.
ગેનીબેન ઠાકોરે લખેલાં પત્રમાં અત્યંત ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરતા જણાવ્યું છે કે, નશાના રવાડે ચઢેલા યુવાનો નાની ઉંમરે મૃત્યુને ભેટી રહ્યા છે. સમાજની અનેક દીકરીઓ નાની ઉંમરે વિધવા બની રહી છે અને તેમના બાળકો નિરાધાર બની રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે વિધવા બહેનોના શોષણની ઘટનાઓ પણ વધી રહી છે. ખાસ કરીને સામાજિક પ્રસંગો અને પ્રવાસ દરમિયાન યુવાનોમાં નશાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. જે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ગેનીબેન ઠાકોરે પક્ષ-વિપક્ષના નેતાઓને વિનંતી કરી છે કે, સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સાથે મળીને આ બદી સામે લડે તેવી મારી ઈચ્છા છે. તેમણે પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, જ્યાં સુધી પોલીસ દારૂ અને ડ્રગ્સ વેચનારાઓ પાસેથી 'હપ્તા' લેવાનું બંધ નહીં કરે અને કાયદેસરની કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી નશાનું દૂષણ નાબૂદ થવું મુશ્કેલ છે.
આ પત્રમાં તેમણે સૂચનો કર્યા છે કે, ગામેગામ વ્યસનમુક્તિ સંગઠનો બનાવવામાં આવે. ધર્મગુરુઓ અને સામાજિક આગેવાનોના માધ્યમથી જનજાગૃતિ લાવવામાં આવે તેમજ પોલીસ વિભાગને પત્ર લખીને કડક દારૂબંધીની અમલવારી કરવામાં આવે.
આ પત્રમાં ગેનીબેન પોતે કોંગ્રેસના નેતા હોવા છતાં ભાજપના ધારાસભ્યની પ્રશંસા કરી છે. રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વિસ્તારમાં દારૂબંધી કરાવવા એસપીને આવેદનપત્ર પાઠવીને નવી પહેલ કરી છે તેની પ્રશંસા કરી છે. અન્ય ધારાસભ્યો અને નેતાઓ પણ પોતાના મત વિસ્તારમાં આ રીતે લેટરપેડ લખીને પોલીસને જાણ કરે અને સહભાગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલની તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે રાજકીય નેતાઓએ દિલથી કામ કરવું પડશે. નહીંતર રાષ્ટ્રને મોટું નુકસાન થશે. તેવા શબ્દો સાથે પત્રમાં સમાજના ઉત્થાન માટે સહયોગની માંગ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.