ભવનાથના શાહી સ્નાનમાં કીર્તિ પટેલની ઘૂસણખોરી
સાધુ-સંતો સાથે મૃગીકુંડમાં ડૂબકી લગાવી કીર્તિ પટેલે મર્યાદા લોપી; વહીવટી તંત્ર તપાસના કામે

પવિત્ર મૃગીકુંડમાં કીર્તિની એન્ટ્રી

પવિત્ર મૃગીકુંડમાં કીર્તિની એન્ટ્રી
જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજાતા લોકમેળાના પવિત્ર અવસરે ફરી એકવાર વિવાદનું વંટોળ સર્જાયું છે. સોશિયલ મીડિયા પર અનેકવાર વિવાદોમાં રહી ચુકેલી કીર્તિ પટેલે આ વખતે સાધુ-સંતોની અત્યંત પવિત્ર પરંપરા ગણાતા 'શાહી સ્નાન'માં ઘૂસણખોરી કરીને નવો વિવાદ છેડ્યો છે.
મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર જૂનાગઢના ભવનાથમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મેળાના અંતિમ દિવસે સાધુ-સંતોની રવેડી નીકળતી હોય છે અને ત્યારબાદ મૃગીકુંડમાં શાહી સ્નાનનો મહિમા હોય છે. આ અત્યંત સંવેદનશીલ અને ધાર્મિક મહત્વ ધરાવતા પ્રસંગે કીર્તિ પટેલ ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુઓની વચ્ચે મૃગીકુંડમાં ઘૂસી ગઈ હતી.
જ્યારે દિગંબર સાધુઓ અને અખાડાના સંતો ભક્તિભાવ પૂર્વક 'હર હર મહાદેવ'ના નાદ સાથે કુંડમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે કીર્તિ પટેલ પણ તેમની વચ્ચે ડૂબકી લગાવતી અને બૂમો પાડતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ભાવિકો અને વહીવટી તંત્રના અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તંત્રનું ધ્યાન પડતા જ તાત્કાલિક સુરક્ષાકર્મીઓ દ્વારા તેને કુંડમાંથી દૂર કરવામાં આવી હતી.
સાધુ-સંતોમાં ભારે રોષઆ ઘટનાને પગલે સાધુ-સંતોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ ભારે હૈયે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "રવેડી બાદ મૃગીકુંડનું સ્નાન એ વર્ષો જૂની પરંપરા છે. સાધુના કપડા પહેરીને કેટલાક લોકો જ્યારે પ્રસિદ્ધિ માટે આ રીતે પરંપરાઓનો ભંગ કરે છે ત્યારે અત્યંત દુઃખ થાય છે." સાધુ સમાજનું માનવું છે કે આ પ્રવૃત્તિ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવી છે અને તેનાથી સ્નાનની પવિત્રતા દુભાઈ છે.
વહીવટી તંત્રની કાર્યવાહી અને તપાસઆ મામલે જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "અમે આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. સાધુ-સંતો સાથે બેસીને નીતિ-નિયમો અંગે ચર્ચા કરવામાં આવશે. જો તપાસમાં એવું બહાર આવશે કે કીર્તિ પટેલે કોઈ ગેરકાયદે કૃત્ય કર્યું છે અથવા કોઈ ધાર્મિક લાગણી દુભાઈ છે, તો તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે."
વિવાદો સાથે જૂનો નાતો: જેલ અને કીર્તિ પટેલનોંધનીય છે કે કીર્તિ પટેલ હંમેશા કોઈને કોઈ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં ગુજરાતમાં આશરે ૧૦ જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
ડિસેમ્બર ૨૦૨૫: કીર્તિ પટેલની પાસા (PASA) હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને તેને જેલમાં ધકેલી દેવાઈ હતી.
જેલ મુક્તિ અને વિવાદ: એક મહિના જેલમાં રહ્યા બાદ જ્યારે તે બહાર આવી, ત્યારે તેણે જેલના દરવાજા પાસે 'ધુરંધર' મૂવીના સોંગ પર રીલ બનાવીને કાયદા અને વ્યવસ્થાની મજાક ઉડાવી હતી.
સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ધાર્મિક સ્થળો અને પરંપરાઓનો આ રીતે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે? તેવો સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. ભવનાથ જેવા પવિત્ર સ્થળે જ્યાં લાખો લોકોની આસ્થા જોડાયેલી હોય, ત્યાં પૂર્વ આયોજિત રીતે આવી ઘટનાઓને અંજામ આપવો તે શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક છે.
હાલ તો વહીવટી તંત્ર દ્વારા વીડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાધુ-સંતોની મર્યાદા અને કુંડની પવિત્રતા જળવાઈ રહે તે માટે આગામી સમયમાં કડક નિયમો બનાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે. કીર્તિ પટેલ સામે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.