ખેડા જિલ્લાના કઠલાલમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વિરોધપક્ષના નેતાએ નહી પણ ભાજપના નેતાએ આક્ષેપ કર્યો છે. ફેસબુક ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ‘પોલીસ હપ્તા લે છે, યુવાધનને બચાવો’ જેવી પોસ્ટ કરીને દારૂબંધીની પોલ ખોલી નાખી છે. ભાજપ શાસિત કઠલાલ નગરપાલિકાના કારોબારી ચેરમેન જીજ્ઞેશ ભાવસારે દારૂની હેરાફેરીમાં પોલીસ સંડોવાયેલી હોવાનો ઘટસ્ફોટ કરતી પોસ્ટ કરતાં વિવાદ થયો છે. જીજ્ઞેશ ભાવસારની પોસ્ટના આધારે કોંગ્રેસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.
ખેડા જિલ્લાની ભાજપ શાસિત કઠલાલ નગરપાલિકાના કારોબારી ચેરમેન જીજ્ઞેશ ભાવસારે ફેસબુક પેજ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોસ્ટ કરીને પોલીસ દારૂના વ્યવસાયમાં સંડોવાયેલી હોવાનો ખુલાસો કર્યો છે. કઠલાલ પોલીસના ડી સ્ટાફ જમાદાર મુળજી રબારી હપ્તા લેતા હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ફેસબુક પેજ પર જીજ્ઞેશ ભાવસારે લખ્યુ છે કે ‘અમારા કઠલાલ શહેરમા ખુલ્લેઆમ દારૂ તથા નશીલા પદાર્થનું પોલીસ કર્મચારી ડી સ્ટાફ જમાદાર મુરજીભાઈ રબારી હપ્તા લઈ વેચાણ કરાવી રહ્યા છે. તો એ સદંતર બંધ કરાવો. હું કઠલાલ નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકામા કારોબારી ચેરમેનપદ ઉપર છું. મારા કઠલાલ શહેરનુ યુવાધન બરબાદ થઈ રહ્યુ છે. આ ડી સ્ટાફ જમાદાર હપ્તા લઈ ખુલ્લેઆમ વેચાણ કરવા દે છે. એની બદલી કરો એવી આપને નમ્ર વિનંતી છે.’
ભાજપ નેતા જીજ્ઞેશ ભાવસારની પોસ્ટ મામલે કઠલાલ શહેર અને ખેડા પોલીસમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. જીજ્ઞેશ ભાવસારે મોટા નેતાઓ મામલે વધુ એક પોસ્ટ કરતાં વિવાદ વધુ ઘેરાયો છે. તેમણે પોસ્ટમાં જણાવ્યુ છે કે, ‘મોટા નેતાઓના આગળ પાછળ ફરવું એના કરતા તો તમારા કેરિયરમાં વ્યસ્ત બનો. કોઈપણ પાર્ટીનો મોટો નેતા ફક્ત તમારી સાથે મીઠું બોલીને એની વાહવાહી કરવા માટે જ તમારો ઉપયોગ કરશે. રાજકીય કેરિયર બનાવવા માટે તમારે ખુદની એક ઓળખ બનાવી પડશે તો જ તમને પાર્ટી અને પબ્લિક ધ્યાનમાં લેશે. જે નેતાઓની પાછળ તમે સમય બગાડો છો એ જ નેતા તમારી ગરજ રાખશે. વફાદાર પાર્ટીથી બનો ગળામાં પટ્ટો નાખી નેતાઓના ચમચા બની ગુલામી કરવાથી તમારૂ કેરિયર બનવાનુ નથી. સાચાને સાચું અને ખોટાને ખોટો કહેવાની હિંમત રાખો.’
ભાજપના જવાબદાર હોદ્દેદાર દ્વારા કરવામાં આવેલી પોસ્ટનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નડિયાદ શહેરમાં ૩ લોકોના શંકાસ્પદ મોત થયા હતા. મરણ જનાર લોકોએ જીરા સોડા પીધી હોવાનું નિવેદન આપીને પોલીસે સમગ્ર પ્રકરણમાં ઢાંકપિછોડો કર્યો હતો. જ્યારે એક વર્ષ અગાઉ નડિયાદ શહેરમાં આયુર્વેદિક કફ સિરપ પીવાથી પાંચ લોકોના મોત થયા બાદ યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા હતા.