વલસાડ જિલ્લામાં ખાડાના કારણે કોઈ જીવ ગુમાવશો માનવ વધનો ગુનો નોંધાશે!
રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો ગુનો નોંધવા કલેક્ટરનો આદેશ, પોલીસને આપી સૂચના

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે- 48 ઉપર ખાડામાં પડી જવાના કારણે બે લોકોના થયા છે મોત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે- 48 ઉપર ખાડામાં પડી જવાના કારણે બે લોકોના થયા છે મોત
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી હોય તેમ લાગી રહ્યું છે. વલસાડ જિલ્લામાં રોડ ઉપર પડેલા ખાડાના કારણે કોઈ વ્યક્તિ જીવ ગુમાવશે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો ગુનો નોંધવા કલેક્ટરે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 ઉપર પડેલા ખાડાના કારણે અત્યાર સુધી બે લોકોના મોત થયા છે.
વલસાડ કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું છે કે, વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર રસ્તાઓને ભયંકર નુકશાન થયું છે. રોડમાં ખાડાઓ પડી ગયા છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા, અકસ્માતો, ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવો બની રહ્યા છે. આ મામલે નેશનલ હાઈવે ઓથોરીટીની સબંધિત કચેરીને ટેલિફોનિક તેમજ મેસેજથી અવારનવાર જાણ કરવામાં આવી છે.
નેશનલ હાઇવે નં. 48 ઉપર ખાડાના કારણે થતાં અકસ્માતો તથા મુસાફરોને હાલાકી પડી રહી છે. રોડની મરામત કરવા કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવી છે. જવાબદાર કોન્ટ્રાકટર યોગ્ય રીતે અને સમય મર્યાદામાં રોડ રીપેર નહી કરે અને તેના કારણે અકસ્માતથી માનવ મોત થશે તો ગુનાહીત બેદરકારી ગણાશે. આ બેદરકારી બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ-106 મુજબ માનવ વધની ફરિયાદ દાખલ કરવામાં આવશે. જાહેર જનતાને મુસાફરીમાં અડચણ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ પણ ફરીયાદ દાખલ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. કલેક્ટરના આદેશના ભંગ બદલ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા પીએસઆઇ કે તેનાથી ઉપરના અધિકારીને સત્તા આપવામાં આવી છે. જ્યારે 10 દિવસમાં નેશનલ હાઈવેના ખાડાની મરામત કરવા સંબંધિત એજન્સીઓને કલેક્ટરે સૂચના આપી જવાબદાર અધિકારીઓને તેનો અમલ કરાવવા તાકીદ કરી છે.
મહત્વપૂર્ણ છે કે, ચોમાસાની શરૂઆતથી જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર અસંખ્ય ખાડા પડી ગયા છે. જેના કારણે દરરોજ અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. બેથી વધુ લોકોએ ખાડામાં પડી જવાના કારણે અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ટ્રાફિક જામ રોજીંદી સમસ્યા બની ગઈ છે. તેના કારણે લોકોમાં રોષ વધતાં વલસાડ કલેકટરે કોન્ટ્રાક્ટર સામે ફોજદારી કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. કલેક્ટરના આદેશથી નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત એજન્સીના કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.