પોલીસ ભરતીમાં 10 લાખ ફોર્મ હાઈકોર્ટની માર્મિક ટકોર
ગુજરાત હાઈકોર્ટે બેરોજગારી મુદ્દે સરકારને કરી ટકોર, પોલીસ ભરતીની પ્રક્રિયા ઝડપી કરવા આદેશ

ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ
દેશના વિવિધ ભાગોમાં થતા તોફાનો અને તેના કારણે જાન-માલને થતા નુકસાન અટકાવવા માટે પોલીસની ભૂમિકા અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન રાજ્યમાં પોલીસ દળની અછત અને ચાલી રહેલી ભરતી પ્રક્રિયાના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે સરકાર પક્ષે જણાવ્યું કે બીજા તબક્કાની ભરતી માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે, ત્યારે અદાલતે આ બાબતને રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારીની ગંભીર સ્થિતિ સાથે સરખાવી હતી.
ભરતી પ્રક્રિયા અને હાઈકોર્ટનું અવલોકન :
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. અદાલતે સરકારને સૂચના આપી છે કે પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા અટકવી જોઈએ નહીં અને તે સતત ચાલુ રહેવી જોઈએ. સરકાર દ્વારા રજૂ કરાયેલા ડેટા મુજબ, બીજા તબક્કામાં 10 લાખ અને પ્રથમ તબક્કામાં 15 લાખ મળીને કુલ 25 લાખ જેટલી અરજીઓ આવી છે. આ વિશાળ સંખ્યાને જોઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.
કોન્સ્ટેબલ અને PSI ભરતીની વર્તમાન સ્થિતિ :
સરકારી વકીલે અદાલતને જાણ કરી હતી કે હાલમાં 10,902 કોન્સ્ટેબલની જગ્યાઓ માટેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. જેમાંથી 9724 ઉમેદવારોની નિમણૂકને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. બાકીના ઉમેદવારોના કિસ્સામાં જાતિના પ્રમાણપત્રોની તપાસ ચાલી રહી છે.
PSI ની ભરતી અંગે જણાવવામાં આવ્યું કે 472 પદો માટે યોજાયેલી લેખિત પરીક્ષામાં 86,727 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષાનું પરિણામ ગત ડિસેમ્બરમાં જાહેર કરાયા બાદ જાન્યુઆરીમાં રિચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે.
નવી નિમણૂક અને બઢતીના આંકડા :
છેલ્લા 16 મહિનામાં રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મેનપાવર વધારવા માટે અનેક પગલાં લીધા છે. આ સમયગાળામાં 12,350 જગ્યાઓ પ્રમોશન દ્વારા ભરવામાં આવી છે, જ્યારે 13,591 નવી નિમણૂકો કરવામાં આવી છે. હાલમાં રાજ્યના 15 અલગ-અલગ ગ્રાઉન્ડ્સ પર ઉમેદવારોની શારીરિક કસોટીઓ લેવામાં આવી રહી છે, જે માર્ચના અંત સુધીમાં પૂરી કરવાનું લક્ષ્ય રખાયું છે.
હાઈકોર્ટે આ સમગ્ર પ્રક્રિયાની નોંધ લઈને કેસની આગામી સુનાવણી મે મહિનામાં નિયત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.