વિકાસ ગાંડો થયો, એક જ પ્રોજેક્ટના બે ખાતમુહૂર્ત!
સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ ગાર્ડન પાર્કના 10 વર્ષમાં બે વાર ખાતમુહૂર્ત, ખર્ચ બમણો કેમ?
વાહરે સરકાર તારો વિકાસ વાહ!
વાહરે સરકાર તારો વિકાસ વાહ!
ગુજરાતમાં ભાજપ સરકારના વિકાસના દાવાઓ સામે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે ‘વિકાસ ગાંડો થયો છે’ તેવા લોકપ્રિય સૂત્રને ફરી એકવાર સાર્થક ઠેરવ્યું છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પર ગાર્ડન પાર્ક બનાવવાના એક જ પ્રોજેક્ટનું દસ વર્ષના ગાળામાં બે વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, પ્રથમ વખત 50 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા આ પ્રોજેક્ટનો ખર્ચ હવે સીધો બમણો થઈને 100 કરોડને પાર પહોંચી ગયો છે. આ ઘટનાએ ભાજપ સરકારની કાર્યપદ્ધતિ અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન સારા દ્વારા 2017માં ધોળીધજા ડેમ પર ગાર્ડન પાર્ક બનાવવા માટે 50 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને તેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું. આ ઘટનાના દસ વર્ષ બાદ, આ જ પ્રોજેક્ટનું ફરી એકવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, પણ આ વખતે ખર્ચનો આંકડો 50 કરોડથી વધીને 100 કરોડને પણ પાર કરી ગયો છે. આ પરથી સ્પષ્ટપણે કહી શકાય કે, ભ્રષ્ટાચારની મોંઘવારીએ વિકાસના નામે પ્રજાના પૈસા પર પોતાનો કબજો જમાવી લીધો છે.
આ એક જ પ્રોજેક્ટનું બીજી વાર ખાતમુહૂર્ત કેમ કરવું પડ્યું? શું દસ વર્ષ પહેલાં મંજૂર થયેલા 50 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ જ થયું નહોતું? જો થયું હતું, તો તે ક્યાં ગયું? અને જો કામ થયું જ ન હોય, તો આટલા મોટા ભંડોળનો ઉપયોગ ક્યાં થયો? આવા અનેક સણસણતા પ્રશ્નો સુરેન્દ્રનગરની જનતા ભાજપ સરકારને પૂછી રહી છે.

આ કોઈ પહેલીવાર નથી કે સુરેન્દ્રનગરમાં વિકાસના નામે સરકારી ભંડોળમાં આવી હેરાફેરી થઈ હોય. અગાઉ પણ આર્ટ્સ કોલેજથી બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં રાતોરાત 5 કરોડ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. આ બધા કિસ્સાઓ એવું સ્પષ્ટ સૂચવે છે કે, ભ્રષ્ટાચારને પણ મોંઘવારી નડી રહી છે અને તેથી જ વિકાસના પ્રોજેક્ટના નામે પ્રજાના પરસેવાની કમાણીના પૈસા બેફામ રીતે ઉડાડવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગરની સહનશીલ જનતા સામે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. એક જ પ્રોજેક્ટનું બે વાર ખાતમુહૂર્ત કરવું અને દસ વર્ષ પછી પણ તે પૂર્ણ ન થવું, એ સરકારની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. આ સમગ્ર મામલે એક જ સવાલ પૂછવો યોગ્ય છે કે, ‘વિકાસના નામે પ્રજાના આ કરોડો રૂપિયા કોણ ચાઉં કરી ગયું છે અને એક જ પ્રોજેક્ટના બે વાર ખાતમુહૂર્ત કરવાનું નાટક કેમ કરવું પડ્યું?’ શું ખરેખર ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે કે પછી ભ્રષ્ટાચારને છાવરવા માટે આવા તરકટ રચવામાં આવી રહ્યા છે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.