બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. ગૃહ વિભાગે ખાસ તપાસ દળ બનાવી તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસે વિધિવત ફરિયાદ નોંધી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી ઘટનાના કારણોની તપાસ આરંભી છે. તેવામાં આરોપી દિપક સિંધીનું રાજકીય કનેક્શન બહાર આવ્યું છે. આરોપી દિપક સિંધી ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ડીસા બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી દિપક સિંધીનું રાજકીય કનેક્શન નીકળ્યું છે. દિપક સિંધી ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો છે. દિપક સિંધી ડીસા શહેર ભાજપ યુવા મોરચાનો પૂર્વ મંત્રી છે. વર્ષ 2017માં ડીસા શહેર યુવા ભાજપ મોરચાના મંત્રી તરીકે તેની નિમણૂક કરવામાં આવી હતી. દિપક સિંધીના વર્તન અંગે પક્ષને જાણ થતાં દોઢ માસમાં યુવા મોરચાના મંત્રી પદેથી દૂર કર્યો હતો. આ ઉપરાંત દિપક સિંધી કોંગ્રેસના ધરણામાં પણ જોડાયો હોવાની એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં દિપક સિંધી કોંગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે બેઠેલો જોવા મળ્યો છે. દિપક સિંધીની રાજકીય કનેક્શન ધરાવતી તસવીરો વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
ડીસા ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટના મામલામાં 21 શ્રમિકોનો ભોગ લેનારા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટે ફરિયાદી બનીને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ દિપક સિંધી અને તેના પિતા ખૂબચંદ સિંધી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. આ કેસની તપાસ ડીસા તાલુકા PIને સોંપવામાં આવી છે.
ડીસામાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની તપાસ કરવા માટે ગૃહ વિભાગે ખાસ તપાસ દળની રચના કરી છે. મહેસૂલ વિભાગના સચિવ (જમીન સુધારણા) ભાવિન પંડ્યાના વડપણ હેઠળની ટીમમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલા, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી તેમજ માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર જે.એ.ગાંધીનો સમાવેશ કરાયો છે. ખાસ તપાસ દળે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ખાસ તપાસ દળની ટીમ કયા સંજોગોમાં અને કયા કારણોસર વિસ્ફોટનો બનાવ બન્યો? જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક સત્તાતંત્ર પાસેથી યોગ્ય મંજૂરી મેળવી હતી કે નહીં? ફટાકડાની ફેક્ટરીની મંજૂરી ઉપરાંત વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવી હતી કે કેમ? જો હા તો તે અંગેની નિયમાનુસારની કાર્યવાહી કરાઈ છે કેમ? એક્સપ્લોઝિવ એક્ટની જોગવાઈનું પાલન થયું છે કે નહીં? જેવા મુદ્દાઓ પર તપાસ કરશે.
ડીસામાં 4 TNT મેગા ટન કરતા વધુ તીવ્રતાથી બ્લાસ્ટ થયો હોવાનું તેમજ ફેક્ટરીમાં 2 હજાર કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ફટાકડા બનાવવાની કામગીરી ચાલતી હતી તે જગ્યા ઉપર ગેસ સિલિન્ડર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મરણ પામેલા શ્રમિકો અગાઉ મધ્યપ્રદેશનાં હડધાની ફટાકડા ફેકટરીમાં કામ કરતા હતા. તે ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ફેકટરી બંધ કરી હતી. જેના પગલે 24 શ્રમિક ડીસા આવ્યા હતા.