ગુજરાતની સરકારી કચેરીઓને મળી બોમ્બની ધમકી
સુરત પાસપોર્ટ ઓફિસ સહિત ભાવનગર-અમરેલી પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશન; સુરક્ષા એજન્સીઓ સતર્ક

વહેલી સવારે આવ્યો ધમકીભર્યો મેઈલ

વહેલી સવારે આવ્યો ધમકીભર્યો મેઈલ
ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. સુરતની પાસપોર્ટ ઓફિસથી લઈને ભાવનગર અને અમરેલીની હેડ પોસ્ટ ઓફિસ સુધી ફેલાયેલા આ 'ઈ-મેઈલ થ્રેટ'ને કારણે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
સુરતના પીપલોદ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ૨૭ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે અંદાજે ૫:૦૦ વાગ્યે પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર એક મેઈલ આવ્યો હતો. આ મેઈલ અંગ્રેજી ભાષામાં હતો, જેમાં સ્પષ્ટ શબ્દોમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
જ્યારે સવારે ઓફિસ ખુલી અને સ્ટાફની નજર આ મેઈલ પર પડી ત્યારે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ક્ષણવારમાં જ ઉમરા પોલીસ મથકનો કાફલો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
સઘન સર્ચ ઓપરેશન અને સુરક્ષા વ્યવસ્થાઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક પાસપોર્ટ ઓફિસની આખી બિલ્ડિંગને ખાલી કરાવી દીધી હતી. ત્યાં કામ કરતા કર્મચારીઓ અને પાસપોર્ટની કામગીરી માટે આવેલા સેંકડો અરજદારોને સુરક્ષિત અંતરે ખસેડવામાં આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડની ટીમે અત્યાધુનિક ડિટેક્ટર્સ અને સ્નિફર ડોગ્સની મદદથી ઓફિસના દરેક ટેબલ, કબાટ, વેન્ટિલેશન અને પાર્કિંગ એરિયામાં તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ભાવનગર અને અમરેલીમાં પણ ભયનો માહોલસુરતની સાથે સાથે સૌરાષ્ટ્રના બે મુખ્ય શહેરોમાં પણ સમાન પ્રકારની ધમકીઓ મળી છે:
ભાવનગર: ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને ઈ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ઓફિસને ઉડાવી દેવાની વાત સામે આવતા જ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
અમરેલી: અમરેલી હેડ પોસ્ટ ઓફિસને પણ મેઈલ મારફતે નિશાન બનાવવાની ધમકી મળી છે. અહી ફાયર ફાઈટરની ટીમ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમોએ ત્વરિત કાર્યવાહી કરી પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી.
એકસાથે ત્રણ શહેરોમાં મળેલી આ ધમકીઓને પગલે પોલીસ હવે ઈ-મેઈલના સોર્સ (Source) ને ટ્રેસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની ગંભીર મજાક (Hoax call/mail) હોઈ શકે છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. સાયબર ક્રાઈમ બ્રાન્ચની મદદથી મેઈલ કયા આઈપી એડ્રેસ (IP Address) પરથી મોકલવામાં આવ્યો છે તેની તપાસ તેજ કરવામાં આવી છે.
અરજદારોમાં ચિંતા અને અફવાઓથી બચવા અપીલપાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસ જેવી જાહેર કચેરીઓમાં હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. અચાનક ઓફિસો ખાલી કરાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે.
રાજ્યના સંવેદનશીલ સ્થળો પર મળેલી આ ધમકીએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર ઉભો કર્યો છે. ભલે આ ધમકી ખોટી સાબિત થાય, પરંતુ આ પ્રકારના કૃત્ય પાછળ રહેલા તત્વોને પકડવા માટે પોલીસ મક્કમ છે. સુરત, ભાવનગર અને અમરેલીમાં હાલ સર્ચ ઓપરેશન અને તપાસ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.