ચંડોળા તળાવના વિસ્થાપિતના નામ કાઢવાનું ષડયંત્ર?
400 જેટલા નામ મતદાર યાદીમાંથી દૂર કરવા ભાજપના કાર્યકરોએ ડમી અરજીઓ કરી હોવાનો આક્ષેપ

શહેઝાદખાન પઠાણ

શહેઝાદખાન પઠાણ
અમદાવાદના સૌથી મોટા ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી બાદ હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચના ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન આ વિસ્તારના સેંકડો મતદારોના નામ યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા હોવાનો ગંભીર વિવાદ સામે આવ્યો છે.
400 જેટલા ફોર્મ નંબર-7 ની ડમી અરજી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આયોજનબદ્ધ રીતે અંદાજે 400 જેટલા ફોર્મ નંબર-7 ની ડમી અરજીઓ કરવામાં આવી છે, જેથી ગરીબ અને વિસ્થાપિત લોકોના મતદાનના અધિકાર પર તરાપ મારી શકાય. આ મામલે ન્યાય મેળવવા માટે શહેઝાદખાન પઠાણ વિસ્થાપિતોને સાથે રાખી ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ વિધિવત પોલીસ ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા EWSના આવાસ આપવાનું વચન
શહેઝાદખાન પઠાણે પુરાવા તરીકે ભાજપના કાર્યકર્તાઓના ફોટા રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યકર્તાઓ લોકોની જાણ બહાર તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચંડોળા તળાવમાં થયેલા ડિમોલિશનને કારણે હજારો પરિવારો બેઘર થયા છે. આ લોકો પાસે હાલ કોઈ કાયમી રહેઠાણ કે સરનામું નથી, ઘણા લોકો ફૂટપાથ પર, ભાડાના મકાનમાં અથવા સંબંધીઓના ઘરે આશરો લઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને EWSના આવાસ આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા જ તેમના મતાધિકાર છીનવી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.
ભારતીય બંધારણ મુજબ નાગરિકને મતદાનનો હક્ક
ચૂંટણી પંચ દ્વારા ખાસ 2 દિવસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેનો હેતુ ચંડોળા તળાવના મૂળ રહેવાસીઓ પોતાના પુરાવા આપીને નામ જાળવી રાખે તેવો હતો. તેમ છતાં, ભાજપના કાર્યકર્તાઓએ ફોર્મ નંબર-7 ભરીને ડમી અરજીઓ કરી છે. વિપક્ષના નેતાના જણાવ્યા મુજબ, અરજી કરનારા લોકો અને વિસ્થાપિતો વચ્ચે કોઈ સંબંધ નથી અને વિસ્થાપિતો આ અરજી કરનારાઓને ઓળખતા પણ નથી. ભારતીય બંધારણ મુજબ દરેક નાગરિકને મતદાનનો હક્ક છે અને જ્યાં સુધી સરકાર તેમને નવા આવાસની ફાળવણી ન કરે, ત્યાં સુધી તેમના નામ હાલના બૂથમાં જ યથાવત રાખવા જોઈએ તેવી માંગણી ચૂંટણી કમિશનરને કરવામાં આવી છે. જો આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખખડાવી કાયદાકીય લડતની ચીમકી પણ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.