બનાસકાંઠા: ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ પર હુમલો
શુદ્રોસણામાં રેતી માફિયાઓનો આતંક: અધિકારીઓની ગાડીમાં તોડફોડ કરી 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા રેતી ચોરી હુમલો

બનાસકાંઠા રેતી ચોરી હુમલો
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને રેતી ચોરીની પ્રવૃત્તિઓ પર લગામ કસવા ગયેલી સરકારી ટીમ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરા વિસ્તારના શુદ્રોસણા ગામ નજીક રેતી ચોરી રોકવા પહોંચેલી ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ પર અંદાજે 10 જેટલા શખ્સોએ હુમલો કરી સરકારી કામગીરીમાં ગંભીર અવરોધ ઊભો કર્યો હતો.
દરોડા દરમિયાન માફિયાઓનું આક્રમક વલણ :
ગાંધીનગર ખાણ-ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડને ગુપ્ત બાતમી મળી હતી કે શુદ્રોસણા ગામની સીમમાં મોટા પાયે ગેરકાયદેસર રેતીનું ખનન ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે જ્યારે ટીમ દરોડો પાડવા ઘટનાસ્થળે પહોંચી, ત્યારે ત્યાં હાજર રેતી માફિયાઓએ કાયદાનો ડર રાખ્યા વગર આક્રમક વલણ અપનાવ્યું હતું. અંદાજે 10 જેટલા શખ્સોએ એકસામટા આવીને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો. આ શખ્સોએ અધિકારીઓ પર માનસિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને બિભત્સ ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
સરકારી ગાડીઓમાં તોડફોડ અને કરોડોનો મુદ્દામાલ જપ્ત :
આ સંઘર્ષ દરમિયાન ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ફ્લાઈંગ સ્ક્વોડની ગાડીઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, અધિકારીઓએ અદમ્ય હિંમત દાખવીને માફિયાઓના દબાણ સામે ઝૂક્યા વગર સ્થળ પરથી રેતી ભરેલી ટ્રકો સહિત અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાર પણ મળી આવી છે, જેનો ઉપયોગ ખનન માફિયાઓ દેખરેખ રાખવા માટે કરતા હોવાની શંકા છે.
પોલીસની એન્ટ્રી અને કાયદેસરની કાર્યવાહી :
ઘટનાની ગંભીરતાને જોતા અધિકારીઓએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને મદદ માંગી હતી. થરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવતા હુમલાખોરોમાં ફફડાટ ફેલાયો હતો અને તેઓ નાસી છૂટ્યા હતા. પોલીસે હાલ તમામ વાહનો સીઝ કરી દીધા છે. આ મામલે ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ થરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો, ફરજમાં રૂકાવટ અને તોડફોડ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.