અમરેલી: લગ્નમાં રોટલી બાબતે જામ્યું લોહિયાળ યુદ્ધ
ધારીના ખીસરી ગામે જાનૈયા અને માંડવીયા સામસામે: બોલેરો કાર ચઢાવવાનો પ્રયાસ

લગ્ન પ્રસંગે મારામારી

લગ્ન પ્રસંગે મારામારી
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે એક લગ્ન પ્રસંગમાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ભોજન સમારંભ દરમિયાન માત્ર રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભોજનના ટેબલ પર શરૂ થયેલો વિવાદ હિંસામાં પલટાયો :
ચક્કરગઢથી ખીસરી ગામે આવેલી જાનમાં લગ્ન વિધિ બાદ જમણવાર ચાલી રહ્યો હતો. આ સમયે પીરસવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી અને બંને પક્ષના લોકો લાકડીઓ તથા લોખંડના પાઈપો સાથે સામસામે આવી ગયા હતા. લગ્ન મંડપમાં અચાનક શરૂ થયેલી આ મારામારીને કારણે મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી.
બોલેરો કાર વડે ટોળાને કચડવાનો પ્રયાસ :
આ હિંસા ત્યારે વધુ ભયાનક બની જ્યારે જાનમાં આવેલા કેટલાક શખ્સોએ પોતાની બોલેરો કાર ત્યાં હાજર લોકોના ટોળા પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ જીવલેણ હુમલાના પ્રયાસને લીધે લગ્ન પ્રસંગમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. આ અથડામણમાં અંદાજે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જણાતા તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ છાવણીમાં ફેરવાયું ગામ :
ઘટનાની ગંભીરતાને જોતા ધારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ ખીસરી ગામ અને હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે હિંસામાં સામેલ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ખુશીના અવસરે થયેલી આ લડાઈએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.