ગુજરાતીઓને 115 વર્ષથી સસ્તા દરે સાહિત્ય પુરૂ પાડવાનો શ્રેય અખંડાનંદ સંસ્થાને જાય છે. ભિક્ષુ અખંડાનંદે વર્ષ 1907માં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ સંસ્થા ભાષા, સાહિત્ય અને શિક્ષાની જ્યોત દ્વારા દરેક સમાજને 116 વર્ષથી માર્ગદર્શન અને પ્રેરણા આપી રહી છે. ધર્મ, આરોગ્ય, મહાપુરુષોના જીવનચરિત્ર, રાષ્ટ્રનિર્માણ જેવા અનેકવિધ વિષયોનો વાંચન રસથાળ સસ્તા દરે લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય સસ્તુ સાહિત્ય ટ્રસ્ટે કર્યું છે.
અમદાવાદમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘અખંડ આનંદોત્સવ’માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોઈપણ ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને છે જ્યારે તેને આગળ ધપાવવા અને પોષના માટે સારસ્વત લોકો આગળ આવે. તેમણે ઉમેર્યુ હતુ કે, ગોવર્ધનરામ ત્રિપાઠી, નર્મદ, મહાત્મા ગાંધી, કાકાસાહેબ કાલેલકર, નરસિંહ મહેતા, સુંદરમ્ જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોએ આપેલો સાહિત્ય વારસો જાળવવાની અને તેનું સંવર્ધન કરવાની જવાબદારી ગુજરાતી ભાષાના સારસ્વતો, ચાહકો, ભાષાવિદોની છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિચારોની ઊંચાઈ પ્રાપ્ત કરવા અને વિચારોને સદમાર્ગે વાળવાનું કામ વાંચન કરી શકે, બીજું કોઈ નહીં. દેશનું ભવિષ્ય નક્કી કરવામાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પુસ્તકાલયમાં લોકોની સંખ્યા કેટલી છે તે મહત્ત્વનું છે. બાળક કે વિદ્યાર્થી નાનપણથી વાંચવાની ટેવ રાખશે, ઇન્ટરનેટના આકર્ષણો વચ્ચે પણ વાંચનની ટેવને જાળવી રાખશે તો જીવનમાં કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ કે વિઘ્નો વચ્ચે ટકી જશે.
અમિત શાહે બાળપણ દરમિયાન પોતાના ગામની લાઇબ્રેરીના લાઇબ્રેરિયને આપેલી શિખામણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વાંચનની યાત્રા કુતૂહલ, જિજ્ઞાસાની સંતુષ્ટી, રસની જાગૃતિ, જ્ઞાન પ્રાપ્તિ અને અંતે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ સુધીની હોય છે. જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ભિક્ષુ અખંડાનંદ દ્વારા શરૂ કરાયેલી સસ્તું સાહિત્ય નિર્માણ અને વિતરણની વર્ષો જૂની પરંપરા ચાલી આવી રહી છે. ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું.
કેન્દ્રીય મંત્રીએ ભિક્ષુ અખંડાનંદની ઔષધ નિર્માણ, સામયિક પ્રકાશન અને સસ્તા સાહિત્ય પ્રકાશન જેવી બહુવિધ પ્રવૃત્તિઓને યાદ કરીને ભિક્ષુ અખંડાનંદને શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વર્તમાન ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહકો દ્વારા ભિક્ષુ અખંડાનંદજીની સાહિત્ય પ્રકાશન સાધનાને યથાવત રાખવાની કાર્યપદ્ધતિને પણ કેન્દ્રીય મંત્રીએ બિરદાવી હતી.
અખંડ આનંદોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સસ્તુ સાહિત્ય મુદ્રણાલયનાં પુસ્તકો આપણી શિક્ષા, સંસ્કૃતિ અને સાહિત્યની વિરાસત છે. શ્રી ભિક્ષુ અખંડાનંદની પ્રેરણાથી કાર્યરત થયેલું સસ્તુ સાહિત્ય ટ્રસ્ટ એ માત્ર પ્રિન્ટિંગ પ્રેસ જ નહિ, પરંતુ આપણા શિક્ષા-સાહિત્યને જીવંત રાખતી સંસ્થા છે, આપણી આગવી વિરાસત છે. વાંચન વારસો જળવાઈ રહે અને લોકોને રાષ્ટ્રનિર્માણ માટેના સંસ્કાર સિંચન કરતું ઉત્તમ સાહિત્ય પુસ્તક સ્વરૂપે વાંચવા મળે તેવો સસ્તુ સાહિત્યનો સંકલ્પ છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે, આ વર્ષે બજેટમાં 71 તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા અને 53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઈ-લાઇબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે રૂપિયા 16 કરોડ મંજૂર કરાયા છે. મુખ્યમંત્રીએ અખંડ આનંદોત્સવ કાર્યક્રમને વિકસિત ભારતની યાત્રામાં સસ્તા અને સમૃદ્ધ સાહિત્ય-પુસ્તકના વૈભવ વિરાસતોના સમયાનુકુલ જતન, સંવર્ધન અને નવસંસ્કરણથી ‘વિકાસ ભી, વિરાસત ભી’નો ધ્યેય સાકાર કરતો કાર્યક્રમ ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સસ્તુ સાહિત્ય દ્વારા પુનઃમુદ્રિત તમામ 24 પુસ્તકોમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રસ્તાવના લખી છે.