અમદાવાદમાં 148 મી રથયાત્રા પૂર્વે યોજાયેલી ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. સાબરમતી નદીમાં ફેલાયેલી જળકુંભીના કારણે જળયાત્રામાં વિઘ્ન પડ્યું, અને મેયર સહિતના મહાનુભાવોને રીવરક્રુઝમાંથી ઉતરવા માટે ફાયર વિભાગના જવાનોનો સહારો લેવાની શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
જગન્નાથજીની જળયાત્રા પરંપરાગત રીતે સાબરમતી નદીમાંથી 108 કળશ જળ ભરીને ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીનું પૂજન કરવા માટે યોજાય છે. AMC એ મંગળવારે 58 ટન જળકુંભી દૂર કરવાનો દાવો કર્યો હતો અને જળયાત્રા પહેલા નદી સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જશે તેવી ખાતરી આપી હતી. પરંતુ, બુધવારે સવારે જળયાત્રાના સમયે નદીમાં ફેલાયેલી જળકુંભીના કારણે AMC ના તમામ દાવા પોકળ સાબિત થયા.
મહાનુભાવોને જળયાત્રા સ્થળે પહોંચાડવા માટે ખાસ રીવરક્રુઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જળકુંભી એટલી હદે ફેલાયેલી હતી કે રીવરક્રુઝ કિનારા સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી હતી. સૌથી આઘાતજનક બાબત એ હતી કે રીવરક્રુઝ અને કિનારા પર મૂકેલી સીડી વચ્ચે જળકુંભી ફસાઈ ગઈ, જેના કારણે મેયર સહિતના પદાધિકારીઓ રીવરક્રુઝમાંથી સરળતાથી ઉતરી શક્યા નહીં. આખરે, ફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર સહિત 15 જેટલા જવાનોએ મેયર અને અન્ય મહાનુભાવોને હાથ પકડીને નીચે ઉતારવાની ફરજ પડી.
આ પણ વાંચો : ઘાટલોડિયામાં આસામની યુવતીનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ, 26 વર્ષીય શિવાલીનું થયું મૃત્યુ
આ ઘટના AMC ના સત્તાધીશોની બેદરકારી અને ગંભીરતાનો અભાવ સ્પષ્ટપણે દર્શાવે છે. જાહેર કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓમાં પણ આવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં AMC નિષ્ફળ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રીવરફ્રન્ટનું નિર્માણ કર્યા પછી પણ, નદીની સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળતા એ શરમજનક બાબત છે. શું AMC ફક્ત દાવા કરવામાં જ માને છે અને વાસ્તવિકતામાં કોઈ કામગીરી કરતી નથી? આ ઘટનાએ અમદાવાદના નાગરિકોના મનમાં AMC ની કાર્યક્ષમતા અને જવાબદારી પ્રત્યે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : Surendranagar માં હાઈવે પર ટ્રક ડ્રાઈવરને માર મરાતા ચક્કાજામ, 3 KM લાંબી વાહનોની કતારો!