AMCની બજેટ ચર્ચા, પક્ષ વિપક્ષ વચ્ચે શાબ્દિક ઘમાસાણ
સ્કૂલ બોર્ડના ₹1200 કરોડના બજેટ પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ; બંને પક્ષો સામસામે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મહાયુદ્ધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મહાયુદ્ધ
અમદાવાદના ભાવિનો ફેંસલો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું રણમેદાન સજ્જ થઈ ગયું છે. કરોડો રૂપિયાના ખર્ચના હિસાબ અને વિકાસના દાવાઓ વચ્ચે આજથી બજેટ બોર્ડનો હંગામેદાર પ્રારંભ થયો છે, જેમાં સત્તાધારી પક્ષના ગૌરવગાન અને વિપક્ષના આકરા પ્રહારોથી વાતાવરણ ગરમાયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરવામાં આવેલા ₹૧૮,૮૧૮ કરોડના વિરાટ બજેટ પર ચર્ચા કરવા માટે આજથી બે દિવસીય સામાન્ય સભાનો પ્રારંભ થયો છે. સવારે ૯.૪૫ વાગ્યે મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં સભાની શરૂઆત થઈ હતી. જોકે, શરૂઆતમાં જ કેટલાક કોર્પોરેટરોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. બજેટની આ બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, વીએસ હોસ્પિટલ, AMTS અને માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયના બજેટ પર વિગતવાર ચર્ચાનો એજન્ડા રાખવામાં આવ્યો હતો.
શિક્ષણના બજેટમાં 'ચોકલેટી હીરો' અને 'લગ્ન'ની ટીખળસભાની શરૂઆત ₹૧,૨૦૦ કરોડના સ્કૂલ બોર્ડના બજેટથી થઈ હતી. ચર્ચા દરમિયાન ગંભીર મુદ્દાઓ કરતા વ્યક્તિગત કટાક્ષોએ વધુ ધ્યાન ખેંચ્યું હતું.
મહાદેવ દેસાઈનો પ્રહાર: ભાજપના કોર્પોરેટર મહાદેવ દેસાઈએ કોંગ્રેસના નેતા શેહઝાદ ખાન પઠાણને 'ચોકલેટી હીરો' કહીને સંબોધ્યા હતા અને ટોણો માર્યો હતો કે, "આ હીરોને દેશનું શિક્ષણ ગમતું નથી એટલે તેઓ વિદેશ ભણવા ગયા હતા."
શેહઝાદ ખાનનો જવાબ: સામા પક્ષે શેહઝાદ ખાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી પર કટાક્ષ કરતા કહ્યું કે, "દેવાંગ ભાઈ હજુ સિંગલ છે, તેમના લગ્ન વહેલી તકે થઈ જાય તેવી મારી પ્રાર્થના છે." તેમણે વધુમાં વેધક સવાલ પૂછ્યો હતો કે, "અહીં બેઠેલા કેટલા કોર્પોરેટરોના બાળકો પોતે AMCની શાળાઓમાં ભણે છે?"
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ બજેટના સમર્થનમાં પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદીઓ પર એક પણ નવો ટેક્સ નાખ્યા વગર બાળકોના ભવિષ્યની ચિંતા કરવામાં આવી છે.
ખાનગીમાંથી સરકારીમાં પ્રવાહ: ભાજપનો દાવો છે કે ૫૬ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને AMCની શાળામાં પ્રવેશ લીધો છે. હાલમાં ૧.૭૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
નવીન સુવિધાઓ: થલતેજમાં નવી અંગ્રેજી માધ્યમની શાળા, ₹૯૦ કરોડના ખર્ચે ૩૬ નવી શાળાઓ અને ૫૪૦૦ કોમ્પ્યુટરની ફાળવણી કરવામાં આવી છે.
ભિક્ષુક બાળકો માટે પહેલ: સિગ્નલ પર ભિક્ષા માંગતા ૧૮૬ બાળકોને બસ-સ્કૂલ દ્વારા શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે.
કોંગ્રેસે સ્કૂલ બોર્ડના સુધારા બજેટ રજૂ કરતા ભાજપના દાવાઓની હવા કાઢી નાખી હતી. વિપક્ષનો આક્ષેપ છે કે ₹૧,૨૦૦ કરોડના બજેટ છતાં શાળાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે.
સુવિધાઓનું વરવું ચિત્ર: ૧૦૩ શાળાઓમાં બેસવા માટે બેન્ચ નથી, ૧૩૬ શાળાઓમાં પરબની અછત છે અને ૮૧ શાળાઓમાં RO પ્લાન્ટ કાર્યરત નથી.
યુનિફોર્મ અને પગરખાંનો ફિયાસ્કો: ૧.૭૦ લાખ બાળકોને ગત વર્ષે યુનિફોર્મ આપવામાં આવ્યા નથી. પગરખાંના માપ ગત વર્ષે લેવાયા હતા અને વિતરણ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયું, જે હવે બાળકોને ટૂંકા પડે છે.
સુરક્ષામાં છીંડા: ૧,૨૦૦ કરોડના બજેટ છતાં ૨૬૬ શાળાઓમાં સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા નથી.
નાથુરામ ગોડસે વિવાદ: કોંગ્રેસના નીરવ બક્ષીએ ગાંધી આશ્રમના નવનિર્માણ સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, જે સરકાર નાથુરામ ગોડસેના નાટકો થવા દે છે તેણે આશ્રમની વાત ન કરવી જોઈએ.
જ્યારે વિપક્ષ શાળાઓની વાસ્તવિકતા બતાવી રહ્યો હતો ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગેરહાજર જણાતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. મેયર પ્રતિભા જૈને જવાબ આપ્યો હતો કે AMC શાળાઓમાં એડમિશન માટે લાઈનો લાગે છે. જેની સામે વિપક્ષે આક્ષેપ કર્યો કે મેયરને માત્ર પક્ષની વાતોમાં રસ છે, વાસ્તવિકતા સાંભળવી નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ બજેટ સત્ર શહેરના વિકાસના માર્ગને નક્કી કરશે. એક તરફ ડિજિટલ ક્લાસરૂમ અને અંગ્રેજી માધ્યમના સપના છે, તો બીજી તરફ પીવાના પાણી અને બેન્ચ જેવી પાયાની જરૂરિયાતો માટેનો સંઘર્ષ છે. આવતીકાલે બીજા દિવસે વધુ ગરમાગરમ ચર્ચાઓ થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.