બોર્ડ પરીક્ષા માટે અમદાવાદ તંત્ર સજ્જ, તૈયારી પૂરી
૯૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા; સીસીટીવી, હેલ્પલાઇન અને બોમ્બ થ્રેટ પ્રોટોકોલ સાથે

લાખો વિદ્યાર્થીઓનું ભાવિ કસોટીની એરણે

લાખો વિદ્યાર્થીઓનું ભાવિ કસોટીની એરણે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે પરીક્ષામાં સુરક્ષા, સુવિધા અને ટેકનોલોજીનો ત્રિવેણી સંગમ જોવા મળશે, જેથી વિદ્યાર્થીઓ નિર્ભય બનીને પોતાની કારકિર્દીની આ મહત્વપૂર્ણ પરીક્ષા આપી શકે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરની કુલ ૩૪૭ ઈમારતો માં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં કુલ ૯૫,૬૮૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધોરણ ૧૦ (SSC): ૧૯૧ ઈમારતોમાં ૫૪,૪૯૨ વિદ્યાર્થીઓ.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ (HSC Science): ૪૦ ઈમારતોમાં ૮,૧૫૨ વિદ્યાર્થીઓ.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ (HSC General): ૧૧૬ બિલ્ડિંગમાં ૩૩,૦૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો, ત્યાં પણ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ગ્રામ્ય વિસ્તારમાં ૮ ઝોનમાં આવેલી ૨૬૪ ઈમારતો ખાતે ૭૮,૧૮૦ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપશે.
સંયુક્ત કામગીરી અને સુવિધાઓપરીક્ષા દરમિયાન કોઈ અડચણ ન આવે તે માટે શિક્ષણ વિભાગે વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન સાધ્યું છે.
વીજ પુરવઠો: UGVCL અને ટોરેન્ટ પાવરને પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જાળવી રાખવા સૂચના અપાઈ છે.
પરિવહન: ST, AMTS અને બીઆરટીએસ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાશે.
સરનામું શોધવા ગૂગલ મેપિંગ: વિદ્યાર્થીઓને તેમના કેન્દ્ર શોધવામાં તકલીફ ન પડે તે માટે આ વખતે 'ગૂગલ મેપિંગ' દ્વારા સેન્ટરના લોકેશન આપવામાં આવ્યા છે.
આરોગ્ય અને લહિયા: પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સારવારની કિટ રાખવામાં આવશે. ઉપરાંત, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શહેરમાં ૧૮૨ અને ગ્રામ્યમાં ૪૮ લહિયાઓના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
તાજેતરમાં મળેલી કેટલીક અનામી ધમકીઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે.
ગંભીરતાની તપાસ: તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ 'બોમ્બ થ્રેટ' મળતા જ તાત્કાલિક શાળા ખાલી કરાવવામાં આવશે નહીં. પહેલા નોડલ ઓફિસર અને પોલીસ દ્વારા ધમકીની ગંભીરતા તપાસવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓની પરીક્ષામાં ખલેલ ન પહોંચે.
સીસીટીવી દેખરેખ: તમામ પરીક્ષા કેન્દ્રોની ઈમારતોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે, જેનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે.
સ્ટ્રોંગ રૂમ સુરક્ષા: અમદાવાદના ૧૨ સ્ટ્રોંગ રૂમ (જ્યાં પેપર રાખવામાં આવે છે) ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
શિક્ષણના વ્યાપને દર્શાવતી એક વિશેષ વિગત એ છે કે આ વખતે સાબરમતી જેલમાંથી પણ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેલના ૩૦ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ અને ૧૫ વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ ના છે, જેઓ જેલ પરિસરમાં જ તૈયાર કરવામાં આવેલા વિશેષ કેન્દ્ર પર પરીક્ષા આપશે.
હેલ્પલાઇન અને કાઉન્સેલિંગવિદ્યાર્થીઓના માનસિક તણાવને દૂર કરવા માટે ટાઇમ ટેબલની સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે જે કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક પોલીસ અને તંત્રનો સંપર્ક કરશે.
અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પગલાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વિશ્વાસ પેદા કરે છે. શિસ્તબદ્ધ આયોજન, ટેકનોલોજીનો ઉપયોગ અને સુરક્ષાની ખાતરી સાથે ગુજરાત બોર્ડની આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે તેવી આશા છે. તમામ વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.