Ahmedabad Doctor Arrested For Molesting IIM Student: અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મેમનગર વિસ્તારમાં માનવમંદિર સામે આવેલી અમદાવાદ ગેસ્ટ્રો એન્ડ લિવર હોસ્પિટલ (AGLH)માં તપાસ માટે ગયેલી IIM અમદાવાદમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે ડોક્ટરે કથિત રીતે અડપલાં કર્યા હોવાનો આક્ષેપ થયો છે. યુવતીની ફરિયાદ બાદ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપી ડોક્ટર વ્રજ સતીષ પટેલની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ હાલ સેન્ટ્રલ જેલ મોકલી આપ્યો છે.
પેટમાં દુખાવો અને તાવની ફરિયાદ બાદ હોસ્પિટલ પહોંચી હતી વિદ્યાર્થિની
પોલીસ ફરિયાદ મુજબ, યુવતી IIM અમદાવાદમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તા. 23 સપ્ટેમ્બરના રોજ પેટમાં દુખાવો અને તાવની ફરિયાદ હોવાથી તે મેમનગર માનવમંદિર સામે આર્યન વર્ક સ્પેસ-3માં આવેલી અમદાવાદ ગેસ્ટ્રો એન્ડ લિવર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી હતી. હોસ્પિટલમાં મુખ્ય ડોક્ટર હાર્દિક પરીખે યુવતીની તપાસ કરીને દવા આપી હતી. ત્યારબાદ તા. 24 સપ્ટેમ્બરના રોજ યુવતીએ સોનોગ્રાફી અને કોલોનોસ્કોપીના રિપોર્ટ કરાવ્યા હતા. જોકે સારવાર બાદ પણ તબિયતમાં પૂરતો આરામ ન થતાં યુવતી ફરીથી હોસ્પિટલમાં પહોંચી હતી.
1 ઓક્ટોબરની રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાઈ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરના રોજ રાત્રે આશરે 8 વાગ્યે યુવતી પોતાના પિતા સાથે હોસ્પિટલમાં આવી હતી. આ દરમિયાન ડોક્ટર વ્રજ પટેલે ડોક્ટર હાર્દિક પરીખ સાથે વાતચીત કર્યા બાદ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. આરોપ મુજબ, 1 ઓક્ટોબરની રાત્રે ડોક્ટર વ્રજ પટેલ યુવતીને તપાસના બહાને રૂમમાં લઈ ગયો હતો. આ દરમિયાન તેની સાથે કોઈ મહિલા ડોક્ટર કે મહિલા કર્મચારી હાજર નહોતી. ફરિયાદમાં યુવતીએ આરોપ મૂક્યો છે કે ડોક્ટરે તપાસના બહાને તેના કપડાં તથા આંતરવસ્ત્રો ઉતરાવ્યા અને ગ્લોવ્ઝ કાઢીને તેના શરીરને સ્પર્શ કર્યો હતો.
બીજા દિવસે ફરી તપાસના બહાને રૂમમાં લઈ ગયો
ફરિયાદ મુજબ, 2 ઓક્ટોબરના રોજ પણ યુવતીને તપાસ માટે બોલાવવામાં આવી હતી. સાંજના સમયે ડોક્ટર વ્રજ પટેલ ફરીથી યુવતીને એકલા રૂમમાં લઈ ગયો હતો. આ દરમિયાન પણ યુવતીના આંતરવસ્ત્રો ઉતરાવી શરીરને સ્પર્શ કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ વખતે યુવતીને ડોક્ટરના ઇરાદા અંગે શંકા જતા તેણે પ્રતિકાર કર્યો હતો અને તાત્કાલિક રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણે સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી.
યુવતીની ફરિયાદ બાદ વસ્ત્રાપુર પોલીસની કાર્યવાહી
પરિવારને ઘટનાની જાણ કર્યા બાદ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે આરોપી ડોક્ટર વ્રજ સતીષ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. પોલીસની કાર્યવાહી બાદ આરોપીને સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા આશરે બે વર્ષથી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો.
ડોક્ટર સામે મેડિકલ એસોસિએશનમાં પણ રિપોર્ટ થશે
આ કેસમાં પોલીસ દ્વારા આરોપી ડોક્ટર વિરુદ્ધ મેડિકલ એસોસિએશનમાં રિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ડોક્ટરનું લાયસન્સ રદ થાય તે માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવાયું છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આરોપોની તપાસ અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી થશે.
IIM અમદાવાદ સાથે જોડાયેલા વિસ્તારમાં અગાઉ પણ મહિલાની સુરક્ષાનો મુદ્દો
આ ઘટનાની સાથે IIM અમદાવાદ પરિસર સાથે જોડાયેલા વિસ્તારમાં અગાઉ બનેલી એક ઘટનાની પણ ચર્ચા થઈ રહી છે. અગાઉ IIM પરિસરમાં એક યુવતી સાથે ફૂડ ડિલિવરી બોયે અસભ્ય વર્તન અને છેડતીનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. ફૂડ પાર્સલ આપવા આવેલા યુવકની દાનત બગડતા તેણે ગ્રાહક યુવતી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ થયો હતો. હવે હોસ્પિટલમાં IIM અમદાવાદની વિદ્યાર્થિની સાથે બનેલી કથિત અડપલાંની ઘટનાથી મહિલાઓની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. અમદાવાદમાં બનેલી આ તાજી ઘટનામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે અને આરોપી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.