Ahmedabad-Dholera Highway Accident: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતે બે પરિવારોમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ધોલેરા નજીક પીપળી ગામ પાસે અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી એક કાર અચાનક કાબૂ બહાર જઈ રસ્તાની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ
પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં સવાર તમામ છ લોકો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હતા અને અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પીપળી ગામ નજીક કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રસ્તાની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ટક્કર એટલી ગંભીર હતી કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. કારમાં સવાર લોકો અકસ્માતમાં ફસાઈ ગયા હતા અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
એકનું ઘટનાસ્થળે મોત, બીજાએ રસ્તામાં તોડ્યો દમ
આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અન્ય એક વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં તેનું મોત થયું હતું. મૃતકોમાંથી એકની ઓળખ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય નઝીર હુસૈન અબ્દુલકાદર મેમણ તરીકે થઈ છે. બીજા મૃતકની ઓળખ મેળવવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ સેવા અને 112 પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીપળી, ધોલેરા અને ધંધુકા એમ ત્રણ સ્થળેથી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ચારેય લોકોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની ઈજાઓ ગંભીર હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.
ધોલેરા પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં ધોલેરા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે જરૂરી નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ કારચાલકે કયા સંજોગોમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ-ધોલેરા હાઈવે પર બનેલી આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત અને ચાર લોકો ઘાયલ થતાં વિસ્તારમાં શોકનો માહોલ છે.