અમદાવાદ, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ, અમરેલી, જૂનાગઢ અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ
અનેક વિસ્તારોમાં વરસાદ
અનેક વિસ્તારોમાં વરસાદ
વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મોડી રાત્રે અમરેલી અને જૂનાગઢમાં પણ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો, જેના પગલે આજે ગુજરાતના 29 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ શકે છે. જોકે, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત છે, અને ચોમાસું ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે.
વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ
અમદાવાદના પૂર્વ વિસ્તારો સહિત નહેરૂનગર, શિવરંજની, મેમનગર, વસ્ત્રાપુર, એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, જીવરાજ, વેજલપુર, સેટેલાઈટ, જમાલપુર અને ખાડીયા જેવા વિસ્તારોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો છે. મોડી રાત્રે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, અને લાંબા વિરામ બાદ જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે વરસાદ, ડેમ ઓવરફ્લો
27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વરસાદની શક્યતા
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી ગાજવીજ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિની શરૂઆતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. વધુમાં, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
છોટાઉદેપુર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં અડધો કલાક સુધી સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે કામ અર્થે જતા લોકો અટવાયા હતા અને રસ્તાઓ તથા ST ડેપોમાં પાણી ભરાયા હતા. આ જ રીતે, બોટાદના ગઢડામાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
નવરાત્રિના આયોજકોમાં ચિંતાનો માહોલ
જોકે, આ વરસાદને કારણે નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જૂનાગઢ અને અન્ય શહેરોમાં જ્યાં ગરબાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યાં વરસાદના આગમનથી આયોજકોને ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાની અને કાર્યક્રમો મોકૂફ રાખવાની ભીતિ સતાવી રહી છે. ખેલૈયાઓ પણ મુંઝવણમાં છે કે, જો વરસાદ ચાલુ રહેશે તો ગરબાની મજા બગડી જશે. આ વરસાદે જ્યાં લોકોને ગરમીમાંથી રાહત આપી છે, ત્યાં જ આગામી તહેવારોની મજા બગાડવાની પણ શક્યતા ઊભી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.