ચોમાસામાં પ્રકૃતિનો આનંદ લો, નુકસાન નહીં કરો!
દક્ષિણ ગુજરાતના કુદરતી સ્થળોની મુલાકાતે જાઓ, પરંતુ પર્યાવરણની જવાબદારી ભૂલશો નહીં

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
લેખકઃ કિરણ પાડવી
Enjoy nature in the monsoon: ચોમાસાની ઋતુ શરૂ થતાં જ સમગ્ર દક્ષિણ ગુજરાત હરિયાળીની લીલી ચાદર ઓઢી લે છે. ડાંગ, સાપુતારા, વાંસદા, ધરમપુર, કપરાડા અને તાપી જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં વહેતા ધોધો, ગાઢ જંગલો, વાંકાચૂકા રસ્તાઓ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ આ સ્થળોએ કુદરતની ગોદમાં સમય પસાર કરવા, ધોધોમાં નાહવા, ટ્રેકિંગ કરવા અને પરિવાર સાથે આનંદ માણવા માટે આવે છે.
આનંદની સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી
પ્રકૃતિ આપણને નિઃસ્વાર્થપણે સૌંદર્ય, શુદ્ધ હવા, પાણી અને જીવન આપે છે. બદલામાં આપણે તેનું જતન કરવું એ આપણી ફરજ છે. દુઃખની વાત એ છે કે કેટલાક લોકો ફરવા જાય ત્યારે પ્લાસ્ટિકની બોટલો, ચિપ્સના પેકેટ, પાણીના પાઉચ, થર્મોકોલની પ્લેટો અને અન્ય કચરો ત્યાં જ ફેંકી દે છે. પરિણામે કુદરતી સ્થળોની સુંદરતા બગડે છે અને પર્યાવરણને નુકસાન થાય છે.

પ્રકૃતિ આપણા પૂર્વજોની મિલકત નથી, પરંતુ આવનારી પેઢી પાસેથી લીધેલી ઉધાર છે
ડાંગના જંગલો હોય કે સાપુતારાની ખીણો, વાંસદાના હરિયાળા વિસ્તાર હોય કે કપરાડા અને ધરમપુરના ધોધો – દરેક સ્થળ આપણું સામૂહિક વારસો છે. તેથી પ્રવાસીઓએ જ્યાં જાય ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને પોતાના દ્વારા ઉત્પન્ન થયેલો કચરો યોગ્ય સ્થળે જ નિકાલ કરવો જોઈએ.
ચોમાસા દરમિયાન ધોધો અને નદીઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે. ઘણી વખત લોકો જોખમી સ્થળોએ સેલ્ફી લેવા જાય છે અથવા ઊંડા પાણીમાં ઉતરી જાય છે. આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી વહીવટી તંત્ર, વન વિભાગ, પોલીસ વિભાગ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.

પ્રવાસનો આનંદ ત્યારે જ સાચો બને, જ્યારે સલામતી સાથે ઘરે પરત ફરીએ
ટ્રેકિંગ દરમિયાન નિર્ધારિત માર્ગનો જ ઉપયોગ કરવો, જંગલોમાં આગ ન કરવી,નશીલા પદાર્થોનો ઉપયોગ ન કરવો અને વન્યજીવોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન પહોંચાડવી જોઈએ. જંગલો માત્ર વૃક્ષોનો સમૂહ નથી; તે હજારો જીવોનું ઘર છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલી પણ અનોખી છે. પ્રવાસીઓએ સ્થાનિક લોકોની લાગણીઓનું સન્માન કરવું જોઈએ. ગ્રામજનો દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાથી પ્રવાસ વધુ સુરક્ષિત અને આનંદદાયક બને છે.
ચોમાસું માત્ર હરવા-ફરવાની ઋતુ નથી, પરંતુ વૃક્ષારોપણની પણ શ્રેષ્ઠ ઋતુ છે. દરેક વ્યક્તિ દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તો પર્યાવરણ સંરક્ષણમાં મોટો ફાળો આપી શકે છે.
એક વૃક્ષ વાવવું એટલે ભવિષ્યને શ્વાસ આપવો
"ધોધનું પાણી, જંગલની હરિયાળી અને પર્વતોની શાંતિ...આ બધું બચાવવું એ આપણી સંયુક્ત જવાબદારી છે."
આ ચોમાસે આપણે સૌ સંકલ્પ કરીએ કે,
* પ્રવાસન સ્થળોએ ગંદકી નહીં કરીએ
* પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું
* ધોધો અને જંગલોમાં સલામતીના નિયમોનું પાલન કરીશું
* સ્થાનિક લોકો અને વહીવટી તંત્રની સૂચનાઓનું માન રાખીશું
* દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરીશું
* પ્રકૃતિને નુકસાન નહીં પહોંચાડીએ
જો આપણે આજે પ્રકૃતિનું રક્ષણ કરીશું, તો આવનારી પેઢીઓ પણ ડાંગના જંગલો, સાપુતારાની ખીણો, વાંસદાની હરિયાળી, તાપીના ધોધો, કપરાડાના પર્વતો અને ધરમપુરના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશે.
"પ્રકૃતિને પ્રેમ કરો, કારણ કે પ્રકૃતિ જ જીવનનો આધાર છે."
નોંધ: લેખક પોલીસ વિભાગમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને લેખમાં લખેલા તેમના સ્વતંત્ર વિચારો છે.

'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું ફલિત ઈંડું કચ્છ લવાયું

ગ્રીન હોળી માટે મહાનગરપાલિકાનો ખાસ પ્લાન: પર્યાવરણ સુરક્ષા તરફ વધુ એક પગલું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં પારો ગગડ્યો: ગુરુશિખર પર -5°C