અમદાવાદ: વૈદિક હોળીની ઉજવણીને પ્રોત્સાહન
ગ્રીન હોળી માટે મહાનગરપાલિકાનો ખાસ પ્લાન: પર્યાવરણ સુરક્ષા તરફ વધુ એક પગલું

વૈદિક હોળીની સામગ્રી

વૈદિક હોળીની સામગ્રી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગ્રીન હોળીની પહેલને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી ચાલુ આ અભિયાન અંતર્ગત આ વર્ષે શહેરના સાત ઝોનમાં અંદાજે 101 વિવિધ સ્થળોએ વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવશે. આ પર્વમાં હોળીકા દહન માટે લાકડાંને બદલે ગાયના છાણમાંથી બનેલી સ્ટીક અને છાણાનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેથી વાતાવરણને શુદ્ધ રાખી શકાય.એએમસીના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા કૃપા મંદિરમાં ગાયના છાણમાંથી તૈયાર કરાયેલા છાણા અને સ્ટીકના બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ બોક્સને ₹ 2500ના ટોકન સાથે ગૌ-સેવા ઓનલાઇન દાનની રસીદ આપીને સોસાયટીઓ, ચાલીઓ અને અન્ય સ્થળો પર ડિલિવરી કરવામાં આવશે. આ કીટમાં હોળીની તમામ જરૂરી સામગ્રી સમાવિષ્ટ છે, જે હોળી પર્વના એક-બે દિવસ પહેલા પહોંચાડવામાં આવશે. 
ઝોનદીઠ સ્વચ્છતામાં બેસ્ટ સોસાયટીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર આદર્શ સોસાયટીઓ અને મોટા ધાર્મિક સ્થળો પર આ વૈદિક હોળીની ઉજવણીને પ્રાથમિકતા આપવામાં આવશે.આ અભિયાનની શરૂઆત વર્ષ 2024માં કરવામાં આવી હતી, જ્યારે શહેરમાં 11 સ્થળોએ વૈદિક હોળી ઉજવાઈ હતી. તેમાં દક્ષિણ ઝોનની જલધારા સોસાયટી, પશ્ચિમ ઝોનની પ્રમુખ પાર્ક સોસાયટી, મધ્ય ઝોનના જગન્નાથ મંદિર પરિસર સહિત અન્ય સ્થળોનો સમાવેશ થતો હતો. વર્ષ 2025માં આ સંખ્યા વધીને 42 સ્થળો પર પહોંચી, જેમાં ખોખરા ભાલકેશ્વર મહાદેવ મંદિર, નારણપુરા કામેશ્વર મહાદેવ મંદિર, સરસપુર રાણછોડજી મંદિર અને અન્ય પ્રસિદ્ધ સ્થળો પર વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી. બંને વર્ષોમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ પર્વ ઉજવાયો હતો.છેલ્લા એક વર્ષમાં એએમસીએ 21 સ્મશાનમાં 4800 કિલોગ્રામ સ્ટીક અને 8500 નંગ છાણા (ટીકી) ઉપલબ્ધ કરાવ્યા છે, જેને નાગરવેલ હનુમાન મંદિર, જગન્નાથ મંદિર, ગાયત્રી મંદિર અને સોમનાથ મંદિર જેવી ધાર્મિક સંસ્થાઓમાં હવન-યજ્ઞ માટે વપરાયા છે.
વૈદિક હોળીની ઉજવણી દરમિયાન સોસાયટીઓ અને શાળાઓના રહીશો સાથે સંવાદ અને આઇ.ઇ.સી. કામગીરી દ્વારા પર્યાવરણ જાગૃતિ વધારવામાં આવશે.આ અભિયાનને રખડતા પશુઓના અટકાવ અને નિયંત્રણ પોલિસી-૨૦૨૩ સાથે જોડીને "ઝીરો ટોલરન્સ લેવલ" જાળવવામાં આવ્યું છે. દાણીલીમડા અને બાકરોલ કૃપા મંદિરમાં 1090 પશુઓને રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને ઘાસચારો, પાણી અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. દૈનિક 2800 કિલોગ્રામ છાણ/ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરીને ખાતર, સ્ટીક, બાયોગેસ અને અન્ય પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. "સર્ક્યુલર ઇકોનોમી" અને "નેટ ઝીરો સેલ"ના કોન્સેપ્ટને અનુસરીને ગ્રીન વેસ્ટના પ્રોસેસિંગમાં રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રીપર્પોઝ એનર્જીનો અમલ કરવામાં આવે છે.લોકલ ફોર વોકલ અભિયાન હેઠળ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને MSMEના ઉદ્યોગ સાહસિકો દ્વારા છાણમાંથી વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. છાણમાંથી ખાતર, કોડીયા, કુંડા, ઓર્ગેનિક મટીરીયલ અને સોઇલ એનરિચર બનાવીને AMCના 250 ગાર્ડનમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, બાયોગેસથી ગેસ જનરેટ કરી રોટી બનાવવાની પ્રવૃત્તિઓ પણ ચાલુ છે. વિવિધ ધાર્મિક અને કોમર્શિયલ સંસ્થાઓ પાસેથી છાણા અને સ્ટીકની માંગ વધી રહી છે, જે પર્યાવરણ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે.એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલથી નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ વધશે અને વૈદિક પરંપરાને જાળવીને આધુનિક પર્યાવરણીય ધોરણો અપનાવી શકાશે. આ અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે સોસાયટીઓ અને શાળાઓ સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતના કુદરતી સ્થળોની મુલાકાતે જાઓ, પરંતુ પર્યાવરણની જવાબદારી ભૂલશો નહીં

'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું ફલિત ઈંડું કચ્છ લવાયું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં પારો ગગડ્યો: ગુરુશિખર પર -5°C