કચ્છમાં એક દાયકા બાદ ઘોરાડનાં બચ્ચાનો જન્મ
'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું ફલિત ઈંડું કચ્છ લવાયું

કચ્છના અબડાસા તાલુકાના અભિયારણ્યમાં ફરતાં ઘોરાડ પક્ષી અને તેના બચ્ચાનો વીડિયો

કચ્છના અબડાસા તાલુકાના અભિયારણ્યમાં ફરતાં ઘોરાડ પક્ષી અને તેના બચ્ચાનો વીડિયો
ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સંયુક્ત પ્રયાસોથી વન્ય જીવ સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા મળી છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકા બાદ 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે.
વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સિદ્ધિ બદલ વાઇલ્ડ લાઇફ ડિવિઝનના અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરીને આ અભિયાનને સફળ બનાવવા સૌને અભિનંદન આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ સફળતા પાછળ 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' (Jumpstart Approach) નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે.
વર્ષ 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોરાડ પક્ષીઓના કુદરતી રહેઠાણોના સંરક્ષણ માટે રજૂ કરવામાં આવેલા વિઝનને અનુરૂપ વર્ષ 2016માં 'પ્રોજેક્ટ GIB' શરૂ કર્યો હતો. કચ્છમાં ઘોરાડની વસતીમાં નર પક્ષીઓની ગેરહાજરીને કારણે માદા ઘોરાડ ઈંડા મૂકતી હતી. પરંતુ તે અફલિત (Infertile) રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે એક સાહસિક અભિયાન હાથ ધરાયું હતું.
રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લેવામાં આવ્યું. પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં ઈંડાને 19 કલાક સુધી રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. 22 માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને 26 માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો.
રાજસ્થાનના સેમ (Sam) અને રામદેવરા ખાતે સ્થાપિત બ્રીડિંગ સેન્ટરોમાં પક્ષીઓની સંખ્યા વધીને હવે 73 સુધી પહોંચી છે.
હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો, વન વિભાગના અધિકારીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે ગર્વની ક્ષણ છે. ભારતના વન્ય જીવ પર્યાવરણ જતનના સંકલ્પને વધુ દ્રઢ બનાવે છે.

દક્ષિણ ગુજરાતના કુદરતી સ્થળોની મુલાકાતે જાઓ, પરંતુ પર્યાવરણની જવાબદારી ભૂલશો નહીં

ગ્રીન હોળી માટે મહાનગરપાલિકાનો ખાસ પ્લાન: પર્યાવરણ સુરક્ષા તરફ વધુ એક પગલું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં પારો ગગડ્યો: ગુરુશિખર પર -5°C