Ahmedabad SG Highway Liquor Seized: દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદમાં દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના એસ.જી. હાઈવે પર નિરમા યુનિવર્સિટી સામે સોલા પોલીસે વિદેશી દારૂ અને બીયરની 1,800 બોટલ ભરેલી સફેદ હ્યુન્ડાઈ ક્રેટા કાર ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં કાર પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં ₹4.52 લાખથી વધુ કિંમતનો દારૂ અને બીયર સહિત કુલ ₹10,57,736નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાતે 1 વાગ્યે પોલીસની વોચ, નિરમા યુનિવર્સિટી પાસે કારને રોકી
સોલા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રાત્રે આશરે 1 વાગ્યે એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજના ઉતરાણ પાસે, નિરમા યુનિવર્સિટી સામે જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ સફેદ હ્યુન્ડાઈ ક્રેટા કાર આવતાં પોલીસે તેને કોર્ડન કરીને રોકી હતી. કારચાલકને નીચે ઉતારી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ચેતનભાઈ માળી (ઉંમર 44 વર્ષ, રહે. ડીસા, બનાસકાંઠા) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતાં અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની કુલ 1,800 બોટલ મળી આવી હતી.
ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી
પોલીસે તપાસ કરતાં ક્રેટા કાર પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. દારૂના જથ્થા અને કાર ઉપરાંત એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹10,57,736 થાય છે, જેમાં દારૂ અને બીયરની કિંમત ₹4,52,736 છે.
શામળાજી બોર્ડરથી ગુલબાઈ ટેકરા સુધી દારૂ પહોંચાડવાનો હતો
પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે દારૂ ભરેલી કાર શામળાજી બોર્ડર પરથી લાવવામાં આવી હતી. પોલીસ તપાસ મુજબ, રાણીપના જીતુ રાવળ ઉર્ફે જયઅંબેના કહેવાથી આ જથ્થો અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતી સોનલ નામની વ્યક્તિને પહોંચાડવાનો હતો. આ મામલે સોલા પોલીસે કારચાલક ચેતનભાઈ માળી ઉપરાંત દારૂ મંગાવનાર અને મેળવનાર તરીકે ઓળખાયેલા અન્ય બે વ્યક્તિઓ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂની હેરાફેરી પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસની તપાસ આગળ વધી રહી છે. દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસની આ કાર્યવાહી મહત્વની છે. જોકે, દારૂ મંગાવનાર અને મેળવનાર વ્યક્તિઓની ભૂમિકા અંગેની વિગતો હાલ પોલીસ તપાસનો વિષય છે.