Sanand Vinchiya Village Crime News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછીયા ગામમાં પિતાએ પોતાના જ 10 વર્ષના એકના એક દીકરાની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પિતાએ માતાજીની દેરી આગળ દીકરાને બંને પગથી પકડીને બે-ત્રણ વખત જમીન પર પછાડ્યો અને ત્યારબાદ માથામાં લાકડી મારી હત્યા કરી હોવાનો આક્ષેપ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દીકરાનું મોત થયા બાદ પિતા તેનો મૃતદેહ ખાટલામાં મૂકીને બાજુમાં જ સૂઈ ગયો હતો. આ મામલે મૃતક બાળકની માતાએ સાણંદ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.
પતિ સાથે ઝઘડા બાદ માતા પિયર ગઈ હતી
મળતી માહિતી મુજબ, 37 વર્ષીય ભારતી પટેલ તેમના પતિ નરેશ પટેલ અને 10 વર્ષના દીકરા કરણ સાથે વિંછીયા ગામમાં રહેતાં હતાં. આશરે દસ દિવસ પહેલાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાથી નારાજ થઈ ભારતીબેન પિયર જતાં રહ્યાં હતાં. જોકે, દીકરા કરણની પરીક્ષા હોવાથી તેને પિતા નરેશ પાસે જ રાખ્યો હતો.
પાડોશીનો ફોન આવ્યો અને માતા તાત્કાલિક ગામે દોડી
1 નવેમ્બરની સાંજે ભારતીબેનને પાડોશીનો ફોન આવ્યો હતો. પાડોશીએ જણાવ્યું હતું કે તેમના પતિ નરેશે દીકરા કરણને લાકડી વડે માર માર્યો છે. આ માહિતી મળતાં જ ભારતીબેન પોતાના માતા-પિતા, ભાઈ અને ભાભી સાથે તાત્કાલિક વિંછીયા ગામ જવા નીકળ્યાં હતાં. રાત્રે આશરે 9 વાગ્યે તેઓ ઘર પાસે પહોંચ્યાં હતાં. તેમના ઘરની નજીક જોગણી માતાની દેરી આવેલી હતી.
દીકરાના મૃતદેહની બાજુમાં જ સૂતો હતો પિતા
ભારતીબેન દેરી પાસે પહોંચ્યાં ત્યારે કરણ ખાટલા પર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તપાસ કરતાં કરણનું મોત થઈ ચૂક્યું હોવાનું જણાયું હતું. નજીકના બીજા ખાટલા પર તેના પિતા નરેશ સૂઈ રહ્યો હતો. નરેશનાં કપડાં પર પણ લોહીના ડાઘ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ભારતીબેને દીકરાના મોત અંગે નરેશને પૂછતાં તેણે કથિત રીતે જણાવ્યું હતું કે તેના પિતા માતાજીના ભૂવા હતા અને તેમના પછી તે પોતે માતાજીનો ભૂવો બન્યો હતો. ત્યારબાદ નરેશે દીકરાની હત્યા કરવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કે તેના પછી ઘરમાં બીજું કોઈ માતાજીનો ભૂવો ન બને તે માટે તેણે કરણને માતાજીની દેરી આગળ બંને પગથી પકડીને બે-ત્રણ વખત પછાડ્યો હતો અને માથામાં લાકડી મારી હતી.
સાણંદ પોલીસ અને FSLની ટીમે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં ભારતીબેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સાણંદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે FSLની ટીમની મદદથી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ભારતીબેન પટેલે પતિ નરેશ પટેલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. સાણંદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 10 વર્ષના બાળકની હત્યાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.