Ahmedabad Crime News: અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગંભીર ગુનાના આરોપીને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરત લઈ જવાની જવાબદારી સંભાળતા ASIએ જ તેને જેલમાં મૂકવાના બદલે વસ્ત્રાલ તરફ લઈ જઈ દીધો હોવાનો આક્ષેપ છે. આરોપી ASIનો સંબંધી થતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે રામોલ પોલીસે ફરાર આરોપી અને ASI વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોર્ટમાં તબિયત લથડતાં આરોપીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને અન્ય ગંભીર કલમો હેઠળ નોંધાયેલા કેસમાં પોલીસે રાધે ઉર્ફે ગોપાલ રાજુભાઈ ઠક્કરની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. કેસની મુદ્દત હોવાથી 27 ઓક્ટોબરના રોજ પોલીસ જાપ્તા સાથે તેને કોર્ટમાં રજૂ કરવા લઈ જવામાં આવ્યો હતો. કોર્ટમાં હાજરી દરમિયાન આરોપીની તબિયત લથડતાં તેને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર ચાલુ હોવાથી તેને હોસ્પિટલના લોકઅપ ગાર્ડમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન 29 ઓક્ટોબરે બપોરે ડૉક્ટરે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યો હતો. નિયમ મુજબ આરોપીને પૂરતા પોલીસ જાપ્તા સાથે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરત લઈ જવાનો હતો.
સંબંધી હોવાનું કહી ASI આરોપીને રિક્ષામાં લઈ નીકળ્યા
પરંતુ અહીંથી સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. ફરજ પર હાજર ASI રાજેશ દયારામે આરોપી પોતાનો સંબંધી થતો હોવાનું જણાવી અન્ય પોલીસ સ્ટાફને સાથે લીધા વગર એકલા જ તેને રિક્ષામાં બેસાડ્યો હતો. ત્યારબાદ તેઓ આરોપીને સાબરમતી જેલ લઈ જવા નીકળ્યા હતા. શરૂઆતમાં પોલીસ કંટ્રોલ રૂમમાં એવો મેસેજ આપવામાં આવ્યો હતો કે દૂધેશ્વર સર્કલ પાસે ટ્રાફિક જામનો લાભ લઈને આરોપી પોલીસ પકડમાંથી નાસી ગયો છે. જોકે, પોલીસની વધુ તપાસમાં આ ઘટનાની હકીકત કંઈક અલગ હોવાનું સામે આવ્યું હતું.
દૂધેશ્વર નહીં, વસ્ત્રાલમાં આરોપી ફરાર થયો!
માધવપુરા અને રામોલ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ASI રાજેશ દયારામ આરોપીને સાબરમતી સેન્ટ્રલ જેલ લઈ જવાના બદલે વસ્ત્રાલ તરફ લઈ ગયા હતા. વસ્ત્રાલના નિરાંત ચાર રસ્તા પાસે આરોપી રાધે પોલીસ પકડમાંથી ફોસલાવીને અથવા ઈરાદાપૂર્વક નાસી છૂટ્યો હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે આર્મ પોલીસ ઇન્સ્પેક્ટરે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરાર આરોપી રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર અને ASI રાજેશ દયારામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગંભીર ગુનાના આરોપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ જેલમાં પરત લઈ જવાની પ્રક્રિયામાં થયેલી આ બેદરકારીને લઈને પોલીસ વિભાગમાં પણ સવાલો ઊભા થયા છે. હાલ રામોલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ફરાર આરોપીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.