જંગલેશ્વર ડિમોલિશન સમયે ‘કાજુ કતરી’ કોણે ઝાપટી?
ખાણી પીણીનું ₹27.20 લાખનું બિલ જોઈ સત્તાધીશો ચોંક્યા, દરખાસ્ત પેન્ડિંગ, કોંગ્રેસનો વિરોધ

AI જનરેટેડ

AI જનરેટેડ
₹27.20 લાખના ખાણીપીણી બિલે વધારી શંકા
જંગલેશ્વર ડિમોલિશન કામગીરી સમયે ખાણી પીણી પાછળ ₹27.20 લાખના ખર્ચનો મામલો રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ₹27.20 લાખનો ખર્ચ દર્શાવતું બિલ રજૂ કરવામાં આવતાં સત્તાધીશો પણ ચોંકી ગયા હતા. ખાણીપીણીની રકમ અને તેમાં દર્શાવાયેલા ખર્ચના મુદ્દાઓને લઈને સભ્યોમાં શંકા ઊભી થઈ હતી. તેના પરિણામે સ્ટેન્ડિંગ કમિટીએ ખાણીપીણીના બિલને હાલ પૂરતું મંજૂર ન કરીને વધુ તપાસ માટે પેન્ડિંગ રાખવાનો નિર્ણય કર્યો છે.

કાજુ કતરી અને ખજૂર રોલના ખર્ચને લઈ ચર્ચા
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલા બિલમાં કાજુ કતરી અને ખજૂર રોલ જેવી મીઠાઈ માટે ₹34,650નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. ડિમોલિશન જેવી કામગીરી દરમિયાન કાજુ કતરી અને ખજૂર રોલ જેવી મીઠાઈનો ઉપયોગ કોના માટે અને કેટલી માત્રામાં થયો તે મુદ્દે અનેક સવાલ ઊભા થયા છે. તેના કારણે સમગ્ર ખર્ચની વિગતવાર ચકાસણી કરવાની શાસક પક્ષના કોર્પોરેટરોમાં માંગ ઉઠી છે. કૌભાંડ થયાની આશંકાના પગલે સ્ટેન્ડિંગ કમિટીએ બિલને અટકાવી દીધું છે.

ચા-કોફી અને બિસ્કિટનું અધધ ₹6,30,946 બિલ
આ બિલમાં સમોસા, ખજૂર રોલ અને ખમણની માત્ર 150 નંગ પ્લેટનું બિલ રૂ. 34,650 રજૂ કરાયું છે. જ્યારે ચા-કોફી અને બિસ્કિટનું બિલ રૂપિયા 6,30,946 આવ્યું છે. જેમાં અધિકારીઓ અને સ્ટાફે 21 હજાર કપ ચા અને 4 હજાર બોટલ લીંબુ શરબત પીધું છે. આ ઉપરાંત પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા જમવાનું બિલ રૂપિયા 20.68 લાખ મૂકવામાં આવ્યું છે.
રાજકોટના વોર્ડ નંબર-16માં જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ અને ટીપી રોડ પર મનપા દ્વારા ફેબ્રુઆરી-2026માં ડિમોલેશન હાથ ધરાયું હતું. 21 થી 27 ફેબ્રુઆરી એમ 6 દિવસ ચાલેલી ડિમોલિશન કામગીરી દરમિયાન અંદાજે 1,400 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં મનપા અને પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
ટેન્ડર વગર વ્યવસ્થા કરવામાં આવી
ડિમોલિશન કામીગીર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા મનપા, પોલીસ અને અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત રહ્યા હતા. કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વગર સ્થાનિક સપ્લાયરો પાસેથી ચા, નાસ્તો, લંચ બોક્સ, ફૂડ પેકેટ, મસાલા છાશ અને લીંબુ-આદુ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ફૂડ બિલ મામલે કોંગ્રેસનો વિરોધ
જંગલેશ્વર ડિમોલેશન અભિયાન દરમિયાન થયેલા ખાણીપીણીના અંદાજે ₹27 લાખના બિલને લઈને રાજકારણ ગરમાયું છે. RMCના જનરલ બોર્ડની બેઠક પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરોએ કાજુકતરી બતાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, રજૂ કરાયેલા બિલમાં જાફર ટી સ્ટોલમાંથી કાજુ કતરી અને ખજૂર રોલ ખરીદ્યાનો ઉલ્લેખ છે. આ દુકાનમાં મીઠાઈ વેચાતી જ નથી અને ત્યાં માત્ર ચા-નાસ્તો ઉપલબ્ધ છે. તેમના મતે આ બિલ વિશ્વસનીય જણાતું નથી અને તેમાં ભ્રષ્ટાચારની આશંકા છે.
કોંગ્રેસના કોર્પોરેટરોએ કાજુ કતરી સાથે વિરોધ કરીને મનપાના અધિકારીઓએ મૂકેલા બિલ સામે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ સવાલ કર્યા કે, અધિકારીઓ ડિમોલિશન કરવા ગયા હતા કે પિકનિક મનાવવા. ડિમોલિશનથી અસરગ્રસ્ત લોકો પોતાના ઘર તૂટતાં દુઃખ વ્યક્ત કરી રહ્યા હતાં ત્યારે અધિકારીઓ એસી હોલમાં બેસીને સમોસા, કાજુ કતરી, ખજૂર રોલ સહિતનો નાસ્તો કરતાં હતા. ચૂંટણી દરમિયાન જમણવાર અને પ્રચારમાં પણ આટલો ખર્ચ થતો નથી. જ્યારે એક ડિમોલિશન કામગીરી દરમિયાન ખાણી પીણી પાછળ લાખો રૂપિયાનું બિલ રજૂ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખાણીપીણીના ખર્ચનું અંદાજે ₹27 લાખનું બિલ ચર્ચામાં આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલને મંજૂરી આપતા પહેલાં અટકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે હવે સત્તાધારી પક્ષ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ