ઉત્તરાયણમાં કેવા દોરાથી પતંગ ચગાવી શકાશે?
ઉતરાયણ પૂર્વે પ્રતિબંધિત દોરા સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટની ટકોર

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી માનવ તેમજ પશુ-પક્ષીઓને થતી ઇજાઓને ધ્યાનમાં રાખી દાખલ થયેલી જાહેર હિતની અરજી સંદર્ભે હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે. ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય તથા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા પંકજ બુચ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે લેવામાં આવેલા પગલાંની વિગત કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
19 ડિસેમ્બર 2025ના રોજ હાઈકોર્ટે મુખ્ય સચિવ અને ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા સોગંદનામાનો સંદર્ભ લીધો હતો. અગાઉ ગૃહ વિભાગ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા ઉત્તરાયણ માટે તૈયાર કરાયેલા ડ્રાફ્ટ પ્લાન અનુસાર ચાઇનીઝ માઝા, નાયલોન, પ્લાસ્ટિક દોરી તેમજ કાચ અથવા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલી દોરીના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
રાજ્ય સરકારે તમામ પોલીસ કમિશ્નર અને જિલ્લા મેજિસ્ટ્રેટોને ડિસેમ્બર માસમાં જાહેરનામા બહાર પાડવા, તેની વ્યાપક જાહેરાત કરવા અને ઉલ્લંઘન કરનાર સામે સીધી ફરિયાદ નોંધાવવાની સત્તા પોલીસને આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જનજાગૃતિ કાર્યક્રમો, શંકાસ્પદ સ્થળોએ દરોડા, ઓનલાઈન પ્લેટફોર્મ સામે કાર્યવાહી અને સપ્લાય ચેઈનની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. પડોશી રાજ્યોની સરહદે પણ કડક દેખરેખ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.
17 સપ્ટેમ્બર 2025ના પરિપત્ર દ્વારા તમામ સૂચનાઓ આપી અમલ કરવા આદેશ કરાયો હતો. ત્યારબાદ કેટલાક વેપારીઓ દ્વારા કોટન દોરા પર કાચની કોટિંગને લઈને વાંધા ઉઠાવવામાં આવ્યા હતો. જેના કારણે હાઈકોર્ટે સરકારને પરિપત્રમાં ફેરફાર કરવા સૂચન કર્યું. પરિણામે 7 નવેમ્બર 2025ના સુધારેલા પરિપત્રમાં ચોક્કસ શરતો સાથે ઓછી તિક્ષ્ણતા ધરાવતી, બાયો-ડિગ્રેડેબલ ઘટકોવાળી કોટન દોરીને મંજૂરી આપવામાં આવી.
રાજ્ય સરકારે કોર્ટને માહિતી આપી કે રાજ્યના તમામ જિલ્લાઓમાં જાહેરનામા અમલમાં આવી ચૂક્યા છે. હજારો સ્થળેથી પ્રતિબંધિત દોરા જપ્ત કરાયા છે, અનેક ગુનાઓ નોંધાયા છે અને જનજાગૃતિ બેઠકો યોજાઈ છે. 19 ડિસેમ્બર 2025ની સુનાવણી દરમિયાન કોર્ટએ સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત દોરાનો વેચાણ કરે તો સામાન્ય નાગરિક પણ પોલીસમાં ફરિયાદ કરી શકે છે.
આ મામલે આગામી સુનાવણી 9 જાન્યુઆરી 2026ના રોજ રાખવામાં આવી છે. જેમાં અમલવારીની સ્થિતિ અને વધુ પગલાંની સમીક્ષા થશે.
વેપારીઓના વાંધા બાદ કેટલાક ફેરફાર કરાયા
કોટન દોરીને glass coating કરી વેચાણ કરતાં વેપારીઓએ પોતાને પક્ષકાર તરીકે જોડવા માટે અરજી કરી હતી. જેમાં જણાવેલ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદામાં અમુક ચોક્કસ પ્રકારે બનાવેલ કાચ પાયેલી કોટન દોરીથી માનવોને અને પ્રાણીઓને ઇજા થતી નથી તેવા તારણો દર્શાવી વિનંતી કરી કે સરકારની સૂચનાઓમાં ફેરફાર કરવામાં આવે અને કાચ પાયેલી ચોક્કસ પ્રકારની કોટન દોરીઓનો શબ્દ 17.09.2025 ના રોજના પરિપત્રમાંથી દૂર કરવામાં આવે. જેના આધારે હાઇકોર્ટે સરકારને આ પરિપત્રમાં ફેરફાર કરવા તેમજ વેપારીઓને પક્ષકાર તરીકે જોડવા હુકમ કર્યો હતો.
નવા પરિપત્રમાં જણાવાયું કે, “પતંગ ઉડાવવા હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેસિવની મદદથી કાચના પાવડરનું કોટિંગ કરેલ ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતો કોટનનો માંજો, જે સંપૂર્ણપણે તૂટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય તથા તેમાં તમામ ઘટકો બાયો-ડિગ્રેડેબલ પદાર્થો હોવા જોઈએ તથા કોટનના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર 10 ટકા થી વધુ ન હોવો જોઈએ, જ્યારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ 30 ટકા, 36 ટકા કુદરતી ગુંદર અને રંગ 24 ટકા કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર, જે કોટિંગ પદાર્થનો 10 ટકા હોઈ શકે છે, પરંતુ, તે કોટનના માંજાના કુલ વજનના 0.5 ટકાથી વધુ ન હોવું જોઈએ તેવો કોટનનો માંજો વાપરી વાપરી શકાશે.”
પ્રતિબંધિત દોરી મામલે 73 શખ્સોની અટકાયત
મુખ્ય ગૃહ સચિવ નિપુણા તોરવણેએ હાઈકોર્ટમાં જણાવેલ કે પરિપત્રના આધારે 25 જિલ્લા, શહેર કમિશ્નરોને પરિપત્ર જારી કર્યા છે. ચાઇનીઝ માઝા, glass coated નાયલૉન/સિન્થેટિક થ્રેડ, પ્લાસ્ટિક થ્રેડના ઉત્પાદન 10 ગુના નોંધાયેલ છે. 4399 સ્થળોએ 14.76 લાખની કિંમતની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી 15 આરોપીઓની અટક કરેલ છે. ઉપરાંત 12.12.2025 ના રોજ સોગંદનામું રજૂ કરી જણાવેલ કે, 36.80 લાખની કિંમતની પ્રતિબંધિત દોરી જપ્ત કરી 73 આરોપીઓને અટકાયત કરેલ છે અને 59 પોલીસ ફરિયાદો નોંધી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.