ગુજરાતમાં હવામાનની આગાહી પર મહાસંગ્રામ
વિજ્ઞાન જાથાના પ્રહારોથી વ્યથિત થઈ અંબાલાલ પટેલે લીધો મોટો નિર્ણય, 'આગાહીઓ કરવાનું બંધ'

ગુજરાતમાં હવામાનની આગાહી પર મહાસંગ્રામ

ગુજરાતમાં હવામાનની આગાહી પર મહાસંગ્રામ
Ambalal Patel Quits Weather Forecasting: ગુજરાતમાં પરંપરાગત પદ્ધતિથી વરસાદના વરતારા (આગાહી) કરનારા અને ખેડૂતોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા વરિષ્ઠ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક અત્યંત ચોંકાવનારી અને મોટી જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા કરવામાં આવેલા તીખા આક્ષેપો અને કાનૂની કાર્યવાહીની ચીમકીથી વ્યથિત થઈને અંબાલાલ પટેલે હવે પછી હવામાન અંગેની કોઈપણ જાહેર આગાહી નહીં કરવાનો આખરી નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, "હવે જ્યાં સુધી સરકાર તરફથી યોગ્ય સહયોગ અને સમર્થન નહીં મળે, ત્યાં સુધી રામ-રામ... જય શ્રીકૃષ્ણ." અંબાલાલ પટેલના આ આકસ્મિક નિર્ણયથી સમગ્ર રાજ્યના કૃષિ જગત અને સોશિયલ મીડિયા પર એક બહુ મોટો વિવાદ અને ચર્ચાનો માહોલ ગરમાયો છે.
સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
વિજ્ઞાન જાથાનો ખુલ્લો આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન ક્ષેત્રે કામ કરતી સંસ્થા 'વિજ્ઞાન જાથા'ના ચેરમેન જયંત પંડ્યાએ વરસાદની આગાહી કરનારા ખાનગી આગાહીકારો સામે મોરચો માંડ્યો. જયંત પંડ્યાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જુલાઈ મહિનો અડધો થવા આવ્યો હોવા છતાં રાજ્યના 60 થી વધુ તાલુકાઓમાં હજુ સુધી પૂરતો વરસાદ પડ્યો નથી, જેના કારણે ખેડૂતોની વાવણી સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
કરોડોના નુકસાનનો આક્ષેપ
જયંત પંડ્યાએ સીધો આક્ષેપ કર્યો છે કે, આ ખાનગી આગાહીકારોના વરતારા પર ભરોસો રાખીને ખેડૂતોએ વહેલી વાવણી કરી દીધી હતી. હવે વરસાદ ખેંચાતા ધરતીમાં નાખેલું કરોડો રૂપિયાનું મોંઘું બિયારણ બળીને ખાખ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું કે, "આગાહીકારો પાસે વિજ્ઞાન સિદ્ધ એકપણ ઉપકરણ નથી. તેઓ માત્ર અનુમાન, ભ્રમ અને અંધશ્રદ્ધાના જોરે રમત રમે છે. જ્યારે તેમની તારીખો ખોટી પડે છે, ત્યારે તેઓ નવી તારીખો આપીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, જે એક ગુનાહિત બેદરકારી છે." તેમણે વધુમાં કહ્યું હતું, "હવામાન વિભાગ (IMD) સેટેલાઈટ ડેટા અને આધુનિક રડાર સિસ્ટમના આધારે વૈજ્ઞાનિક આગાહી કરે છે, જ્યારે આ વરતારા કરનારાઓ માત્ર મુર્ખામીનું પ્રદર્શન કરીને જનતાને ભ્રમિત કરે છે."
વિજ્ઞાન જાથાની કડક માંગણીઓ
વિજ્ઞાન જાથાએ આ વખતે આરપારની લડાઈ લડવાનો મૂડ બનાવ્યો છે અને સરકાર સમક્ષ નીચે મુજબની કડક માંગણીઓ મૂકી છે:
નુકસાનીની વસૂલાત: ખેડૂતોને બિયારણ પેટે થયેલા કરોડો રૂપિયાના આર્થિક નુકસાનની જવાબદારી નક્કી કરી, આ ખોટી આગાહી કરનારાઓ પાસેથી જ તેની વસૂલાત કરવામાં આવે.
સોગંદનામું કરવાની ચેલેન્જ: જો વરતારા કરનારાઓમાં ખરેખર દમ હોય, તો તેઓ કોર્ટમાં સોગંદનામા પર પોતાની આગાહીઓની વૈજ્ઞાનિક વિશ્વસનીયતા સાબિત કરી બતાવે.
કાયમી પ્રતિબંધ અને જેલ: જનતાને છેતરનારા આવા તમામ બોગસ આગાહીકારો સામે તાત્કાલિક ગુનો દાખલ કરી, તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને કાયમી ધોરણે તેમના વરતારા પર પ્રતિબંધ મુકાય.
અંબાલાલ પટેલનો પલટવાર
વિજ્ઞાન જાથાના આ ગંભીર આક્ષેપો સામે વર્ષોથી પરંપરાગત અને વૈદિક જ્ઞાનના આધારે આગાહી કરતા 78 વર્ષીય અંબાલાલ પટેલે ભારે હૈયે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, "જાથાના આ નિવેદનો સદીઓ જૂની આપણી પરંપરાગત જ્ઞાન પદ્ધતિ અને ઋષિમુનિઓના પ્રાચીન જ્ઞાન પર કુઠારાઘાત સમાન છે. અમે આ આગાહીઓ કોઈ આર્થિક લાભ માટે નહીં, પરંતુ માત્રને માત્ર લોકકલ્યાણ અને ખેડૂતોના હિત અર્થે આપતા હતા. અમે સમાજમાં કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી." અંબાલાલ પટેલે પોતાની ઉંમરનો હવાલો આપતા કહ્યું, "હવે મારી ઉંમર થઈ ગઈ છે. હું આવા બિનજરૂરી વિવાદો અને ટીકાઓમાં પડવા માંગતો નથી. દરેક આગાહી બાદ થતી ખોટી ચર્ચાઓથી કંટાળીને હું હાલ પૂરતી હવામાનની તમામ આગાહીઓ બંધ કરું છું. જો ભવિષ્યમાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને લોકોનો વિશ્વાસ તેમજ સરકારનો સપોર્ટ મળશે, તો જ હું ફરીથી આગાહી કરવાનો વિચાર કરીશ."
કોણ છે અંબાલાલ પટેલ?
અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાટલ ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. તેઓ પોતે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમણે આણંદની પ્રસિદ્ધ બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાંથી બીએસસી (B.Sc. Agriculture) નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1972 માં તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સી, અમદાવાદ ખાતે 'બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર' તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે મદદનીશ ખેતી નિયામક (Assistant Director of Agriculture) જેવા જવાબદાર પદ પર પણ ફરજ બજાવી છે. સેક્ટર 15 ની ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે વર્ષો સુધી સેવા આપ્યા બાદ તેઓ સપ્ટેમ્બર 2005 માં સરકારી સેવામાંથી સન્માનપૂર્વક નિવૃત્ત થયા હતા.
કઈ રીતે જાગ્યો હવામાન અને જ્યોતિષ શાસ્ત્રમાં રસ?
કૃષિ ક્ષેત્રના અભ્યાસ દરમિયાન અંબાલાલ પટેલ જ્યારે પણ ગામડાઓમાં ખેડૂતોને મળતા, ત્યારે પાક અને વરસાદ અંગે ઊંડી ચર્ચાઓ થતી હતી. ભારતમાં કૃષિનો સમગ્ર આધાર ચોમાસા પર હોવાથી, તેમને વિચાર આવ્યો કે જો હવામાન અને વરસાદની ચોક્કસ માહિતી ખેડૂતોને અગાઉથી મળી જાય તો મોટું નુકસાન અટકાવી શકાય. આ હેતુથી તેમણે પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રો, ખગોળીય સંકેતો, નક્ષત્રોની ચાલ, 'વારાહી સંહિતા' અને 'વરસાદના વરતારા' જેવા પૌરાણિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો. તેઓ પોતાની આગાહીઓમાં કેવળ જ્યોતિષ જ નહીં, પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી હવામાન સિસ્ટમ તથા કૃષિ વિજ્ઞાનના પોતાના વર્ષોના અનુભવનો સમન્વય કરતા આવ્યા છે.
અંબાલાલના સમર્થનમાં આવ્યા પરેશ ગોસ્વામી અને પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ
અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરતાની સાથે જ ગુજરાતના અન્ય જાણીતા હવામાન વિશ્લેષક પરેશ ગોસ્વામી તેમના સમર્થનમાં મેદાને આવ્યા છે. વિજ્ઞાન જાથાની ટીકા કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, "અમારા જેવા આગાહીકારો ભડલી વાક્યો, પ્રકૃતિના સંકેતો અને નક્ષત્રોના આધારે વર્ષોથી સચોટ વરતારા કરે છે. જયંત પંડ્યાની વિચારધારા ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરા વિરોધી છે. તેમને આપણી પ્રાચીન સંસ્કૃતિના વિજ્ઞાનમાં કોઈ વિશ્વાસ નથી." બીજી તરફ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાલાલ પટેલને પોતાનો નિર્ણય બદલવા માટે ખાસ વિનંતી કરી છે. નીતિન પટેલે જણાવ્યું કે, "હું છેલ્લા 30 વર્ષથી અંબાલાલ પટેલને વ્યક્તિગત રીતે ઓળખું છું અને તેમની આગાહીઓથી પરિચિત છું. લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. ગુજરાતના લાખો ખેડૂતો અને સામાન્ય જનતા અંબાલાલભાઈના અનુમાન પર અતુટ વિશ્વાસ રાખે છે, તેથી તેમણે વિવાદોથી ડર્યા વિના લોકહિતમાં પોતાની આગાહીઓ ચાલુ રાખવી જોઈએ."
અન્ય આગાહીકાર કિશોરભાઈ ભાડજાનો વિજ્ઞાન જાથાને ખુલ્લો પડકાર
આ વિવાદમાં હવે અન્ય એક જાણીતા આગાહીકાર કિશોરભાઈ ભાડજા પણ કૂદી પડ્યા છે. તેમણે વિજ્ઞાન જાથાના ચેરમેનને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું છે કે, તેઓ ચોમાસાના સંદર્ભમાં 3 સ્પષ્ટ અને સચોટ આગાહીઓ કરી ચૂક્યા છે. હવે જયંત પંડ્યાએ પણ પોતાની વૈજ્ઞાનિક પદ્ધતિથી એ જ સમયગાળા માટે વરસાદ થશે કે નહીં તેની આગાહી જાહેર કરવી જોઈએ. કિશોરભાઈએ મોટું નિવેદન આપતા કહ્યું કે, "જો મારી આગાહી ખોટી સાબિત થશે, તો હું વિજ્ઞાન જાથાની તમામ શરતો સ્વીકારવા અને કાનૂની સજા ભોગવવા તૈયાર છું. પરંતુ જો મારી આગાહી સાચી પડી, તો જયંત પંડ્યાએ પોતાની ભૂલ સ્વીકારીને જવાબદારી લેવી પડશે."
ખેડૂતો ચિંતાતુર: હવે આગળ શું?
અગાઉ પણ અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક વાકયુદ્ધો ખેલાયા છે, જેની લોકોએ ભારે મજા લીધી હતી. પરંતુ આ વખતે મામલો ખેડૂતોના આર્થિક નુકસાન અને કૃષિ સંકટ સાથે જોડાયેલો હોવાથી પરિસ્થિતિ ગંભીર બની છે. એક તરફ પ્રકૃતિના સંકેતોને ઓળખનારા અંબાલાલ પટેલે મૌન ધારણ કરી લીધું છે, તો બીજી તરફ વિજ્ઞાન જાથા કાનૂની એફઆઈઆર (FIR) દાખલ કરાવવાની તૈયારી કરી રહ્યું છે. આ કાનૂની અને વૈચારિક સંગ્રામ વચ્ચે અત્યારે તો ગુજરાતનો સામાન્ય ખેડૂત ચિંતામાં મુકાયો છે કે જો આકાશમાંથી વરસાદ નહીં વરસે, તો ઉભો પાક કઈ રીતે બચશે. આ વિવાદ આગામી દિવસોમાં કયું નવું વળાંક લે છે, તેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ