Vadodara Woman Suicide Case: વડોદરા શહેરમાં માનવતાને શરમાવે તેવી દર્દનાક ઘટના સામે આવી છે. શહેરના ઉંડેરા વિસ્તારમાં આવેલી રિલાયન્સ ટાઉનશિપમાં રહેતી સીમાબેન નામની પરિણીતાએ સાસરિયાંના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. લગ્નના માત્ર ત્રણ વર્ષમાં જ પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી ₹ 2 લાખ લાવવા બાબતે પતિ સહિત સાસરિયાં ત્રાસ ગુજારતા હતા. આપઘાત કરતા પહેલાં મહિલાએ પોતાના પગ પર પેનથી ચાર લાઇનની સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાના પર થતા અત્યાચારની વ્યથા વ્યક્ત કરી હતી. જવાહરનગર પોલીસે મૃતકના પતિ, સાસુ અને સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
દહેજની માંગણી અને લગ્નજીવનનો કરુણ અંજામ
ઉત્તરપ્રદેશના કાસકંજમાં રહેતા અને NTPC Ltd. માં નોકરી કરતા અનિલકુમાર ધનપાલસિંહ જાટવની નાની બહેન સીમાના લગ્ન 22 જૂન 2023 ના રોજ હાથરસના સુધીરકુમાર અનેકસિંહ સાથે થયા હતા. સુધીરકુમાર વડોદરાના ઉંડેરા સ્થિત રિલાયન્સ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાથી દંપતી વડોદરામાં સ્થાયી થયું હતું અને તેમને 8 મહિનાની દીકરી પણ છે. મૃતકના ભાઈ અનિલકુમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, મે 2026 માં સુધીરે પ્લોટ ખરીદવાના બહાને પિયરમાંથી ₹ 2 લાખ લાવવા દબાણ કર્યું હતું. પરિવારજનોએ જુલાઈ સુધીનો સમય માંગ્યો હોવા છતાં સુધીરે સીમા સાથે પિયરપક્ષનો સંપર્ક કાપી નાખ્યો હતો. સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી પતિને ઉશ્કેરીને સીમા પર સતત ત્રાસ ગુજારાવતા હતા.
ઘરકંકાસ ચરમસીમાએ પહોંચ્યો
બનાવના એક દિવસ પહેલાં એટલે કે 8 ઓગસ્ટના રોજ પતિ સુધીરે સીમાના મોટા ભાઈ સુનીલને એક મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે તમારી બહેન સીમાને કહો કે મારો તૂટેલો ફોન રિપેર કરાવી આપે, નહીં તો હું તેને જાનથી મારી નાખીશ. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, દંપતી વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન સુધીરનો ફોન તૂટી ગયો હતો. આ બાબતને લઈને ઘરકંકાસ ચરમસીમાએ પહોંચ્યો હતો. આ સિવાય, સીમાની માતાના જણાવ્યા મુજબ સુધીર અગાઉ ઉત્તરપ્રદેશ આવ્યો ત્યારે પણ તેણે ₹ 50,000 ની માંગણી કરી હતી, પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી રૂપિયા આપી શકાયા નહોતા. સુધીરે સીમાના ફોનમાંથી પિયરના તમામ સભ્યોના નંબર બ્લોક કરી દીધા હતા જેથી તે પોતાની વ્યથા કોઈને કહી ન શકે.
8 મહિનાની બાળકીને પાડોશીને સોંપી જીવન ટૂંકાવ્યું
9 ઓગસ્ટના રોજ સવારે સુધીર તૂટેલો ફોન રિપેર કરાવવા માટે બહાર ગયો હતો. આ તકનો ઉપયોગ કરીને સીમાબેને પોતાની 8 મહિનાની માસૂમ દીકરીને ઉપરના માળે રહેતા પાડોશીને સોંપી હતી અને કહ્યું હતું કે, "હું રસોઈ બનાવી લઉં, ત્યાં સુધી દીકરીને સાચવજો." અડધા કલાક બાદ માસૂમ બાળકી રડવા લાગતાં પાડોશી તેને લઈને નીચે સીમાબેનના ઘરે આવ્યા ત્યારે ઘરમાં સીમાબેન ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા. સુધીરે તાત્કાલિક સીમાના ભાઈની પત્નીને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી, જેના પગલે પરિજનો વડોદરા દોડી આવ્યા હતા.
પોસ્ટમોર્ટમમાં પગ પરથી મળી આવી સુસાઈડ નોટ
ઘટના બાદ મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીએમ દરમિયાન તબીબો અને પોલીસને સીમાના પગ પર પેનથી લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. મહિલાએ પોતાના પગ પર હિન્દીમાં લખ્યું હતું કે, "મેં જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખૂશ રખે મેં સહન નહીં કર પાઈ પિટાઈ." આ હૃદયદ્રાવક લખાણ પરથી સાબિત થાય છે કે પતિ દ્વારા કરવામાં આવતી મારપીટ અને સાસરિયાંના ત્રાસથી કંટાળીને જ તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.
પોલીસે પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો
આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસ મથકે મૃતકના ભાઈ અનિલકુમારની ફરિયાદના આધારે એન્જિનિયર પતિ સુધીરકુમાર, સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને દહેજ ઉત્પીડનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસે આરોપીઓની અટકાયત કરવાની અને ઘટના અંગે વધુ પુરાવા એકત્ર કરવાની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.