અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવા માટે કોર્પોરેશને ફરી ટેન્ડર બહાર પાડ્યું છે. વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટે કોર્પોરેશન 9.31 કરોડનો ખર્ચો કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભ્રષ્ટાચારનું પ્રતિક બનેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ ત્રણ વર્ષથી વાહન વ્યવહાર માટે બંધ છે, ત્યારે હવે આ બ્રિજને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા 9.31 કરોડના ખર્ચે બ્રિજ તોડવાનું ટેન્ડર બહાર પડાયુ છે. આ બ્રિજને તોડવા માટે અગાઉ 4 વખત ટેન્ડર બહાર પડાયા હતા.
ઉલ્લેખનિય છે કે 42 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તૈયાર કરાયો હતો. પણ બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચારના પગલે ગણતરીના વર્ષોમાં જ બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવો પડ્યો હતો. બ્રિજનો અત્યારે પાર્કીંગ માટે ઉપયોગ કરાઇ રહ્યો છે. બ્રિજ બંધ હોવાથી તમામ ટ્રાફિક બ્રિજ નીચેથી પસાર થાય છે. જેથી ભારે ટ્રાફિક જામ સર્જાઇ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કે હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડવા માટેનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રૂ. 9.31 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને તોડવા માટેનું ટેન્ડર કરવામાં આવ્યું છે. બે વર્ષ પહેલા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે હાટકેશ્વર બ્રિજને માત્ર તોડવામાં આવશે.
સરકારના વર્ષ 2015-16માં બ્રિજના બાંધકામ સમયના ઓડિટ રિપોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગતનો ઘટસ્ફોટ થયો હતો. આ બ્રિજની કોન્ટ્રેક્ટર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને કામગીરીના વિલંબ પેટે રૂ. 12.69 લાખનો દંડ કરવાનો હતો, પરંતુ આ દંડની વસૂલાતમાં પણ ઢીલ દાખવાઈ હતી
હાટકેશ્વર બ્રિજનું નિર્માણકાર્ય ચાલુ હતું ત્યારે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ડિઝાઇન કન્સલ્ટન્ટ, પ્રૂફ ચેકિંગ કન્સલ્ટન્ટ વગેરે બાબતો પર સુપરવિઝન કે તપાસ કરવામાં જ આવી નહોતી. મ્યુનિ.ના કોઈ અધિકારીઓ અહીં ફરકતા પણ નહોતા. આ કારણથી વિલંબ વળતરની વસૂલાત, ટેસ્ટિંગ ચાર્જની વસૂલાત, ઇન્કમટેક્સ અને સેસની કપાતો તેમજ એક્સ્ટ્રા આઈટેમની વધારાની ચુકવણી બાબતે નાણાકીય અનિયમિતતા અને ટેન્ડરની શરતોનો ભંગ થયો હતો.